અમદાવાદની કિડની હોસ્પિટલમાં સાધન ખરીદીમાં થયેલા કૌભાંડનો મુદ્દો રાજ્ય વિધાનસભામાં જારદાર રીતે ગાજ્યો છે. આ મુદ્દે વિરોધ પક્ષે સરકારને ઘેરી લેતાં માત્ર વહીવટી નહીં પરંતુ આરોગ્ય વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારએ ગૃહમાં આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે કિડની હોસ્પિટલમાં સાધન ખરીદીમાં થયેલા ગોટાળામાં અત્યાર સુધી કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, કઈ સ્તરે તપાસ ચાલી રહી છે અને શું આ કેસમાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે કે નહીં.
આ મુદ્દે જવાબ આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના આધારે ૪ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ખરીદી પ્રક્રિયામાં અનિયમિતતાઓ સામે આવતા આ તાત્કાલિક પગલું લેવામાં આવ્યું છે, અને વધુ તપાસ ચાલુ છે. પરંતુ વિરોધ પક્ષ આ જવાબથી સંતોષ માનતો નથી. શૈલેષ પરમારએ ગૃહમાં જ સરકાર પર તીખો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે “મોટા માથાઓને બચાવવા માટે નાની કક્ષાના કર્મચારીઓને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સમગ્ર કૌભાંડમાં “મગરમચ્છોને છોડીને નાની માછલીઓનો ભોગ લેવાયો છે”, જે સરકારની નીતિ અને ઇરાદા પર સવાલ ઉભા કરે છે.
આક્ષેપો વચ્ચે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટતા કરી કે, મામલો હજુ તપાસ હેઠળ છે અને પ્રાથમિક પગલાં બાદ સંપૂર્ણ તપાસ રિપોર્ટની રાહ જાવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી કે જે કોઈ પણ વ્યક્તિ આ કૌભાંડમાં દોષિત સાબિત થશે, તે સામે પુરાવાના આધારે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે, ભલે તે કોઈ પણ પદ પર કેમ ન હોય.
આ કૌભાંડના મૂળમાં ખરીદી પ્રક્રિયામાં સંભવિત ગડબડી, ટેન્ડરિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ, સાધનોની કિંમતમાં ગેરરીતિ અને ગુણવત્તા અંગેના સવાલો જેવા મુદ્દાઓ સામેલ હોવાની ચર્ચા છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવા કૌભાંડ માત્ર નાણાકીય નુકસાન જ નહીં પરંતુ દર્દીઓની સારવારની ગુણવત્તા અને વિશ્વાસને પણ અસર કરે છે.
રાજકીય રીતે પણ આ મુદ્દો ગરમાયો છે. એક તરફ સરકાર તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી કરવાની વાત કરે છે, તો બીજી તરફ વિરોધ પક્ષ આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યો છે. હવે સમગ્ર રાજ્યની નજર આ કેસની અંતિમ તપાસ રિપોર્ટ પર છે.