અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોબાઈલ ટાવરમાં લાગેલા પજી નેટવર્કના અતિમૂલ્યવાન બેઝ બેન્ડ યુનિટની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જમ્મુ-કાશ્મીરના એક રીક્ષાચાલક અને તેના સાગરિત સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓમાં મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરનો ઉત્તમ શર્મા અને તેનો સાગરિત સામેલ છે. ઉત્તમ શર્મા રીક્ષાચાલક હોવા છતાં જીયો મોબાઈલ ટાવરમાં લેબર વર્કનું પણ કામ કરતો હતો, જેના કારણે તેને ટાવરના યુનિટની જાણકારી હતી.આ યુનિટની બજાર કિંમત આશરે ૩.૫ લાખથી ૪ લાખ જેટલી હોય છે. આરોપીઓ આ યુનિટની ચોરી કરીને માત્ર ૧૫,૦૦૦માં દિલ્હી ખાતે વેચાણ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચોરી કરાયેલા બીબીયુ યુનિટ્‌સને અંતે સાઉથ એશિયન દેશોમાં વેચવામાં આવતા હતા.આરોપી ઉત્તમ શર્માએ અત્યાર સુધીમાં ૨૦ જેટલા બીબીયુ યુનિટ્‌સની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તપાસમાં એકટીવા પર નીકળીને આરોપી અને તેનો સાગરિત જીયોના ટાવરોને ટાર્ગેટ કરતા હતા. બાદમાં બીબીયુની ચોરી કરતા હતા.જમ્મુ-કાશ્મીરમાં જ આરોપી ઉત્તમ શર્મા સામે ૮ જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, અમદાવાદમાં અને ગાંધીનગરના ડભોડામાં પણ તેની સામે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હવે આ ચોરીના નેટવર્કમાં અમદાવાદ અને દિલ્હીમાં કોણ કોણ જાડાયેલું છે અને તેમના અન્ય સાગરિતોની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.