અમદાવાદમાં સીમ સ્વેપ કરીને ૧.૦૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. બેન્કમાંથી ૧૫ ટ્રાન્ઝેકશન કરીને આ છેતરપિંડી આચરવામાં આવી છે. આ છેતરપિંડીનો ભોગ બનનારા ગવર્નમેન્ટ કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી છે. સાઇબર ક્રાઇમે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં આ પહેલાં આવો જ કિસ્સો ગયા વર્ષે બન્યો હતો, જેમા સાઇબર ક્રાઇમ પોલીસે છેક પશ્ચિમ બંગાળમાં જઈને ગુનેગારોની ધરપકડ કરી હતી. રૂ.૧,૧૯,૩૭,૦૦૦ના સીમ સ્વેપ ફ્રોડ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે છ આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીની કંપનીના હિસાબી શાખાના ઈમેલ આઈડી પરથી સીમકાર્ડ બદલવા માટેની રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીની કંપનીના બેન્ક એકાઉન્ટ આઇસીઆઇસીઆઇ બેંક ખાતામાંથી રૂ.૧,૧૯,૩૭,૦૦૦નું સીમ સ્વેપ કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં પોલીસે તપાસ કરીને બેન્ક એકાઉન્ટ ધારક, સીમકાર્ડ તથા એકાઉન્ટ પ્રોવાઈડર તથા વોડાફોન સ્ટોર મેનેજર સહિત છ આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. બાદમાં પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાને આધારે ફરિયાદીને એજ્યુડિકેટીંગ ઓફિસર અને પ્રિÂન્સપાલ સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. સચિવાલય ગાંધીનગર ખાતે નુકશાનીનું વળતર મેળવવા સમજ આપવામાં આવી હતી.
તેમાં ફરિયાદીએ વખતો વખત હાજર રહી પુરાવા રજૂ કર્યા હતા.જેને આધારે સીમ સ્વેપના આ ગુનામાં આઇસીઆઇસીઆઇ બેંક તથા વોડાફોન આઈડિયા લિમીટેડ કંપનીનો ઈન્ટરમિડીયેટ રોલ નક્કી કરીને એજ્યુડિકેટીંગ ઓફિસર અને પ્રિÂન્સપાલ સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે ૩૧.૭.૨૦૨૫ના રોજ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં આઇસીઆઇસીઆઇ બેંકને રૂ.૧૦,૦૦,૦૦૦ પેનલ્ટી તરીકે તથા રૂ.૧.૦૫ કરોડ વળતર તરીકે તથા વોડાફોન આઈડીયા કંપનીને પેનલ્ટી રૂપે પાંચ લાખ રૂપિયા ફરિયાદીને આદેશ તારીખથી છ અઠવાડિયામાં ચૂકવવા તેમજ આઇસીઆઇસીઆઇ બેંક અને મેસર્સ વોટાફોન આઈડિયા લિમીટેડ બન્ને છ મહિનાની અંદર આંતરિક ખામીઓની તપાસની વ્યવસ્થા અમલમાં મૂકવા નિર્દેશ કરતો હુકમ કરવામાં આવ્યો હતો.