શહેરમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ સહિત વિવિધ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ૨૯ જુલાઈના રોજ શહેરમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ડેન્ગ્યુના વધતાં જતાં કેસને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.
માહિતી અનુસાર, અમદાવાદના વટવા આવેલી મારુતિ ઈન્ફરાની કન્સ્ટ્રક્શન સાઈટ અને નિકોલમાં આવેલી ગોકુલધામ પરિસર સહિત કુલ ત્રણ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર સૌથી વધુ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા, જેને કારણે આ ત્રણે કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઈન્ચાર્જ ડાક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગને અટકાવવા માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાઈ રહે તેવા સ્થળ ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધારે થતી હોય છે ત્યારે શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલ, મોલ, કોમ્પ્લેક્સ, હોટલ સહિતની જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું, ૧૬૩ જગ્યાઓને નોટિસ આપવામાં આવી છે ઉપરાંત ૫.૫૦ લાખનું દંડ વસૂલવામાં આવ્યું છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧ જુલાઈથી ૨૬ જુલાઈ સુધી ઝાડા ઉલટીના ૭૦૩ કેસ, ટાઈફોડના ૫૧૯ કેસ, કમળાના ૪૧૩ કેસ અને કોરેલાના ૨૫ જેટલા કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના ૮૯ કેસ, ડેન્ગ્યુના ૭૫ કેસ અને ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે સાથે જુહાપુરામાં ત્રણ કેસ, અસારવા ઇસનપુરમાં બે કેસ, તદુપરાંત રખિયાલ, ગોમતીપુર, ખાડિયા, સરસપુર, ચાંદોલડીયા, ઠક્કરબાપાનગર અને નિકોલમાં એક-એક કેસ નોંધાયો છે.