શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એકયુઆઇ) (ગંભીર) થી ભયાનક સ્તરે પહોંચી ગયો છે. સૌથી વધુ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેના કારણે રેસ્પિરેટરી રોગોમાં ખાસ કરીને ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝના કેસમાં નોંધપાત્ર વધારો જાવા મળી રહ્યો છે.
વિસ્તારો એકયુઆઇ
થલતેજ ૩૭૮–૪૦૦+
પાલડી અને શાહીબાગ ૨૬૦
ગોતા ૩૭૦–૩૭૮
વટવા ૨૪૯
બોપલ/આંબલી ૪૧૨–૪૨૪
રખિયાલ ૨૪૦
ઇસનપુર ૨૯૭
કઠવાડા ૨૫૯
સરખેજ ૨૮૮
ચાંદખેડા ૨૨૦–૨૪૦
બોડકદેવ ૨૭૧–૨૭૫
ઇસરો ૨૨૫
જજીસ બંગલો ૨૬૪
શહેરનો સરેરાશ એક્યુઆઈ હાલમાં ૨૫૦–૩૦૦+ની વચ્ચે નોંધાઈ રહ્યો છે, જે ગંભીર કેટેગરીમાં આવે છે. ઠંડી હવાના કારણે પ્રદૂષકો ( પીએમ ૨.૫,પીએમ ૧૦, ધુમાડો, ધૂળ) જમીનની નજીક જ રહી જાય છે, જેથી તેની અસર વધુ તીવ્ર બને છે.
પલ્મોનોલોજિસ્ટ્સ અને હોસ્પિટલોના અહેવાલ અનુસાર, કોરોના પછીના વર્ષોમાં અમદાવાદ અને ગુજરાતમાં સીઓપીડીના કેસમાં લગભગ ૩૦%નો વધારો થયો છે. અગાઉ મુખ્યત્વે ૬૦+ વયના ધુમ્રપાન કરનારાઓમાં જાવા મળતી આ બીમારી હવે ૪૦–૫૦ વર્ષની વયના લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે ધુમ્રપાન ન કરનારા યુવાનોમાં પણ આ રોગના કેસ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ લાંબા સમયનું વાયુ પ્રદૂષણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, વૈશ્વિક સ્તરે સીઓપીડી હવે મૃત્યુના કારણોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.પલ્મોનરી ફંક્શન ટેસ્ટ અત્યંત સરળ, ઝડપી અને નોન-ઇન્વેસિવ ટેસ્ટ છે, જે ફેફસાંની વાસ્તવિક ક્ષમતા બતાવે છે.
ઘણા દર્દીઓ ત્યારે જ ડોક્ટર પાસે આવે છે જ્યારે ફેફસાંને પહેલેથી જ અપરિવર્તનીય નુકસાન થઈ ગયું હોય.વહેલું પીએફટી સ્ક્રીનિંગથી રોગનું વહેલું નિદાન થઈ શકે છે અને યોગ્ય દવા, ઇન્હેલર અને લાઇફસ્ટાઇલ ફેરફારથી તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે જેમ ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીએ તેમ.





































