અમદાવાદમાં વધુ એક કોન્સ્ટેબલની ચરસ કેસમાં એસઓજી પોલીસે શૈલેષ સિંહ ચૌહાણની ધરપકડ કરી છે.કોન્સ્ટેબલ શૈલેષ સિંહે ડ્રગ પેડલર અજયને ચરસ સપ્લાય કર્યો હતો અને અજય પાસેથી ૪.૬૮ લાખ રૂપિયાની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. મુઠીયા ગામમાંથી ૧.૮ કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. આપને જણાવી દઈએ એસઓજી ટીમે નરોડાના મુઠીયા ગામમાં દરોડો પાડ્યો હતો અને ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં ૧ કિલો ૮૭૨ ગ્રામ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ચરસના જથ્થા અંગે પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે અમદાવાદ શહેરમાં ફરજ પરના એક પોલીસ કોન્સ્ટેબલે વેચાણ માટે ૧.૮૭૨ કિલો ચરસ સપ્લાય કર્યો હતો. આ ખુલાસા બાદ, એસઓજીએ આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. સોમવારે,એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નરોડાના મુઠીયા ગામમાંથી અજય બઘેલ નામના ૨૬ વર્ષીય વ્યક્તિની ૪.૬૮ લાખ રૂપિયાના ચરસ સાથે ધરપકડ કરી હતી.
આરોપીને રિમાન્ડ પર લીધા બાદ, પોલીસે તેની પૂછપરછ કરી, જેમાં પોલીસની સંડોવણી બહાર આવી હતી. તપાસ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે તેને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ પાસેથી આ જથ્થો ચરસ મળ્યો હતો. આ કેસમાં ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર્યરત શૈલેષ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ ચૌહાણે હવે દાવો કર્યો છે કે આ ચરસનો જથ્થો તેને બિનવારસી મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલ દિવ્યાંગ આરોપી અજય પહેલાથી જ શૈલેષ ચૌહાણના સંપર્કમાં હતો. શૈલેષ ચૌહાણ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યારથી તેઓ સંપર્કમાં હતા.






































