અમદાવાદ શહેરના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ ચોરી કરતી એક શાતિર મહિલાને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આરોપી મહિલા જ્વેલર્સને પણ ચકમો આપે તેવી ચાલાકીથી ચોરી કરતી હોવાની વિગતો સામે આવી છે.

પોલીસે વડોદરામાં રહેતી પ્રવીણા ઉર્ફે ટીના સેનવાને ઝડપી પાડી છે. આરોપી મહિલા ખાસ કરીને અમદાવાદના નરોડા સહિતના વિસ્તારોમાં ચોરી કરવા માટે આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી. આરોપી મહિલા પોતાની પાસે સોનાની જેમ જ દેખાતી નકલી (બગસરાની) વીંટીઓ રાખતી હતી. જ્વેલર્સ શોપમાં સેલ્સમેનને વાતોમાં વ્યસ્ત રાખીને અસલી સોનાની વીંટી ઉઠાવી લેતી અને એની જગ્યાએ નકલી વીંટી મૂકી ફરાર થઈ જતી હતી.

વિવિધ જ્વેલર્સ દુકાનોના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ આરોપી મહિલા ફરીથી અમદાવાદમાં ચોરી કરવા આવી ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સામે ભૂતકાળમાં ઓઢવ, સાબરમતી, નરોડા, ચાંદખેડા સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ ૭ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી મહિલાએ હાલ અમદાવાદમાં વધુ ૫ ચોરીની ઘટનાઓ કબૂલ કરી છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ સમગ્ર મુદ્દે નરોડાના પીઆઇ પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી મહિલા ખૂબ જ શાતિર રીતે ચોરી કરતી હતી અને જ્વેલર્સ શોપમાં ગ્રાહક બની વિશ્વાસ જીત્યા બાદ સેલ્સમેનની નજર ચૂકવીને ચોરી કરતી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેના અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે જ્વેલર્સને વધુ સતર્ક રહેવા અને શંકાસ્પદ ગ્રાહકો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.