શહેરના ન્યૂ મણીનગર વિસ્તારમાં વિકાસના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ લાઈન માટે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાઈ ગયો હતો. જેથી દુર્ઘટનામાં સમયે ઘટના સ્થળે જ પંકજ કટારા નામના મજૂરનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ન્યૂ મણીનગર ખાતે રસ્તા પર ડ્રેનેજ લાઈન નાખવા માટે ઊંડું ખોદકામ ચાલી રહ્યું હતું. આ સમયે પંકજ કટારા નામનો શ્રમિક લાઈન નીચે કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક ઉપરથી માટી અને કાટમાળ ધસી પડ્યો હતો. પંકજને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માટીનો જથ્થો વધુ હોવાથી તેને બચાવી શકાયો ન હતો. પ્રાથમિક તપાસમાં માટી નીચે દટાઈ જવાથી શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર અને તેની કામ કરવાની પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મૃતક પંકજના સાથી શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે, સાઈટ પર કામ કરતા મજૂરોને કોઈ પણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા ન હતા. શ્રમિકોની સલામતી માટે અનિવાર્ય એવા હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, શૂઝ કે જેકેટ જેવા મૂળભૂત સાધનો વિના જ જાખમી ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું. નિયમ મુજબ ઊંડા ખોદકામ વખતે જરૂરી તકેદારી રાખવી જોઈએ, જેનો અહીં સંપૂર્ણ અભાવ જાવા મળ્યો હતો.

શ્રમિકોએ વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સ્થળ પર કોઈ સુપરવાઈઝર કે કોન્ટ્રાક્ટરના જવાબદાર અધિકારી હાજર ન હતા. જવાબદારોની ગેરહાજરીમાં શ્રમિકોને જાખમના મોઢામાં ધકેલી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. હાલમાં પોલીસ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ કરી રહી છે. મૃતક શ્રમિકના પરિવારમાં આ ઘટનાને પગલે માતમ છવાયો છે.