અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી લથડી હોય તેવો માહોલ સર્જાયો છે. હાલમાં જ અમદાવાદમાં એક યુવકનું અપહરણ કરીને તેની જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે કાગઠાપીઠ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. બીજીતરફ આ બનાવના વીડિયો પણ સામે આવ્યા છે.
અપહરણ અને હત્યા કેસમાં કાગડાપીઠ પોલીસે વિજય પટણી, શૈલેષ, ગૌતમ અને પુનમ પટણીની ધરપકડ કરી છે. ૨૨ ઓગસ્ટના રોજ કાગડાપીઠ સફલ પરિસરમાંથી નીતિન પટણી નામના ૨૩ વર્ષીય યુવકનું અપહરણ કરીને આરોપીઓ તેને મેઘાણીનગરના અસારવા વિસ્તારમાં લઈ ગયા હતા. બાદમાં આરોપીઓે જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી. આ ઘટનાના હત્યાના અને અપહરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કાગડાપીઠ પોલીસે આ બનાવમાં સતીશ ઉર્ફે સતીયો પટણી, વિશાલ ઉર્ફે બુકકો દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો પટણી, બાવો, સાજન, રાજ ઉર્ફે સેસુ અને અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અપહરણ કરનાર વિજય પટણી, શૈલેષ ગૌતમ અને રીક્ષા ચાલક પૂનમ પટણીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યાનો માસ્ટર માઈન્ડ સતીષ ઉર્ફે સતીયો પટણી છે. મૃતક નીતિન પટણી અને સતિષના ભાઈ દિપક પટણી વચ્ચે ૧૯ ઓગસ્ટ ના રોજ ઝઘડો થયો હતો. જેમાં નીતિને દીપકને ખૂબ જ માર માર્યો હતો. જેથી મૃતક નીતિન પટણી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જે ઝઘડા અને મારામારીનો બદલો લેવા સતીશ અને તેના મિત્રોએ નીતિનનું અપહરણ કરીને જાહેરમાં માર મારી નીતિનની કરપીણ હત્યા કરી નાંખી. જ્યાં કોઈ મદદ કરવા પણ ન આવ્યું.
આરોપી સતીશ પટણી ચાઈના ગેંગનો આરોપી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અગાઉ તેની સામે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો. મૃતક નીતિન અને આરોપીના ભાઈ વચ્ચે અંગત અદાવતનો ઝઘડો હતો જેનો બદલો લેવા આ ખૂની ખેલ ખેલાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ૩ આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીઓ સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની શોધખોળ શરૂ કરી.મુખ્ય આરોપી અને સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ સતીશ ક્યારે ઝડપાય છે તે જોવાનું રહ્યું.
વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ આ હત્યાકાંડ છે. થોડા દિવસ પહેલા સતીશ અને તેની ગેંગે વિપુલ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલું કર્યું, જેમાં સતીશ તો હાથમાં ના આવ્યો પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો આરોપીઓના હાથમાં આવી જતા તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું હતું. સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો તે જ જગ્યાએ વિપુલની ગેંગના નીતિનનું અપહરણ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. –