શહેરમાં વધુ એક હત્યા થઈ હોવાની માહિતી સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ વિસ્તારમાં પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં સરખેજની એલ.જે. કોલેજ પાસે અવાવરું જગ્યામાં પાર્ક કરેલી કારમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે. આ પુરુષનો મૃતદેહ ડી કમ્પોઝ થયેલી હાલતમાં મળ્યો છે. હાલ સરખેજ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. જાકે, આ કાર કોની છે અને અહિંયા ક્યારથી પડી છે, અહીં કઈ રીતે આવી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી શકે છે.
થોડા દિવસ પહેલા પણ અમદાવાદના નોબલનગર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. નોબલનગર વિસ્તારમાંથી ઝાડીઓમાંથી સળગેલી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે. જે મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ કેસને લઈ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટની એકદમ નજીક આવેલા નોબલનગરમાં સ્થાનિક લોકોની નજરે ઝાડીઓમાંથી કંઈક શંકાસ્પદ વસ્તુ પડી હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોએ નજીક જઈને તપાસ્યું તો કોઈનો ભયાનક રીતે સળગેલી હાલતમાં કોઈ માનવીનો મૃતદેહ પડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.











































