અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પીટીસી (પ્રાથમિક શિક્ષક તાલીમ) કોર્સમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષીય વિદ્યાર્થિની સાથે અધ્યાપક દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે.
વિદ્યાર્થિનીએ છેડતીની આ ઘટના અંગે પોતાના વાલીને જાણ કરતા વાલીએ સંસ્થાને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સંસ્થા દ્વારા ચાર દિવસ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી કંટાળી વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી છે. સાથે જ આટલી ગંભીર ઘટના છતાં સમયસર જાણ કેમ કરવામાં આવી નથી તે અંગે ખુલાસો માંગ્યો છે.સમાચાર પોડકાસ્ટ શ્રેણી
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, અધ્યાપક સામે તાત્કાલિક સસ્પેન્શન સહિત યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ માટે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘટના ચારથી પાંચ દિવસ પહેલાં બની હતી, છતાં સંસ્થાએ તેમાં ઉદાસીનતા દાખવી હોવાનું જણાય છે. આ મામલે હવે તપાસ સમિતિ રચી આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના ફરી એકવાર શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સંસ્થાની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.











































