સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા અમદાવાદના શાંતિગ્રામ ગુરુકુળ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અત્યાધુનિક ‘ગુરુકુળ એકેડેમી’ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તરવડા ગુરુકુળમાં ચાલી રહેલા ત્રિવેણી મહોત્સવ દરમિયાન સંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આ ઘોષણા કરવામાં આવી હતી. આ એકેડેમીની પ્રથમ બેચ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ૧ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અમદાવાદ અને ગાંધીનગરમાં સિવિલ સર્વિસિસની તૈયારીઓ કરવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને યોગ્ય કોચિંગ મળી રહે તેમજ રહેવા-જમવાની શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સવલત મળી રહે તે માટે શાંતિગ્રામમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું બીડું સંતોએ ઝડપ્યું છે. આ ગુરુકુળ એકેડેમીનું અનાવરણ ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી અને સુરત ગુરુકુળના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી, નારાયણદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં અમદાવાદના સમાજ શ્રેષ્ઠીઓ રમેશભાઈ મેસિયા, બાબુભાઈ શેલડીયા, કાંતિભાઈ ગઢીયા, પ્રવીણભાઈ દેસાઈ, રાકેશભાઈ દુધાત, મનુભાઈ પટોડીયા (USA), ધીરુભાઈ બાબરીયા (USA) વગેરેનો સેવા સહયોગ પ્રાપ્ત થયો હતો. આ અવસરે મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રને મૂલ્યવાન અને આદર્શ અધિકારીઓ મળે તેવા ભ્રષ્ટાચાર મુક્ત, દેશપ્રેમ અને આદર્શ અધિકારીઓના નિર્માણમાં ગુરુકુળ એકેડેમી પાયાનો રોલ નિભાવશે.” અમદાવાદ અને ગાંધીનગરના સિવિલ સર્વિસીસના એક્સપર્ટ ફેકલ્ટી આ ગુરુકુળ એકેડેમીમાં વિદ્યાર્થીઓને ખાસ કોચિંગનો લાભ આપશે. એકેડેમીની પ્રથમ બેચ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થનાર છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શાંતિગ્રામ ઓફિસનો સંપર્ક નંબર ૭૫૭૫૮૦૪૪૨૩ પર સંપર્ક કરવા સૂત્રોએ જણાવ્યું છે.