અમદાવાદના કાપડના વેપારીઓ દેશ અને દુનિયાભરમાં ઉધારમાં કાપડનો વેપાર કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદના કાપડના વેપારીઓ સાથે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. નવી દિલ્હીના બે વેપારીઓએ કરોડો રૂપિયાનું કાપડ ઉધારમાં ખરીદી પેમેન્ટ ન કરતા વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘એલ બી ટેક્સ પ્રા. લી.’ કંપનીના સિનિયર જનરલ મેનેજર અંકિતભાઈ જાગીનકુમાર શાહ દ્વારા ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઠગ વેપારીઓ સામે પગલાં લેવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીની ગીતા કોલોનીમાં આવેલી ‘એ.એમ. એન્ટરપ્રાઇઝ’ના પ્રોપરાઇટર અનિલ રાજેન્દ્ર મદન અને ‘નમહ ફેબ્રિક્સ’ના માલિક પીયુષ ગેહલોટ એક જ ઓફિસમાંથી વ્યવસાય કરતા હતા. વર્ષ ૨૦૨૫ દરમિયાન તેઓ અમદાવાદમાં કાપડ ખરીદી માટે આવ્યા હતા અને ‘એલ બી ટેક્સ પ્રા. લી.’ના સંચાલકોના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓએ ૩૦ દિવસની ઉધારીના વાયદા મુજબ સમયસર ભાગે ભાગે પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ દિલ્હીના વેપારીઓના વ્યવહાર બદલાઇ ગયા હતા. એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન તેઓએ ‘એલ બી ટેક્સ પ્રા. લી.’ સહિત શહેરની અન્ય ત્રણ કંપનીઓ પાસેથી લાખો રૂપિયાનું ડેનિમ અને અન્ય કાપડ ખરીદ્યું હતો. કુલ મળીને રૂ. ૪.૬૨ કરોડનો માલ લઈ લીધા બાદ તેઓએ પેમેન્ટ કરવાનું બંધ કરી દીધું હતું.
વેપારીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ પૈસા પરત આપ્યા નહોતા અને માલ પણ પરત કર્યો નહોતો. અંતે છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અનિલ મદન અને પીયુષ ગેહલોટ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ વિગતો મેળવવા અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના મસ્કતી કાપડ મહાજન દ્વારા પણ અમદાવાદના કોઈપણ કાપડ વેપારી સાથે ઠગાઈ કરનાર વેપારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. લેભાગુ વેપારીઓની યાદી બનાવી ‘બી એલર્ટ’ પોર્ટલ પર મૂકવામાં આવી રહી છે, જેથી અન્ય વેપારીઓ આવા વેપારીઓ સાથે વ્યવહાર કરવાનું ટાળી શકે તેમ મસ્કતિ કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું.








































