અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય એક વૃદ્ધને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ઠગ ટોળકીએ ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપિંડી દ્વારા કુલ ૩૫,૭૫,૦૦૦/- ની માતબર રકમ પડાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શ્યામસુંદર નથમલ માલપાની ને ગત ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ એક અજાણ્યા વોટ્‌સએપ નંબર પરથી ‘નિરાલી સિંઘ સાંગી’ નામે મેસેજ મળ્યો હતો. મેસેજમાં શેરબજારમાં રોકાણ માટે પૂછવામાં આવ્યું હતું.
વૃદ્ધે રૂચી દાખવતા, ઠગે તેમને એક ફોર્મની લિંક મોકલી જેમાં તેમની આધાર કાર્ડ અને બેંકની વિગતો ભરાવી લીધી. ત્યાર બાદ, વૃદ્ધને વોટ્‌સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા. આ ગ્રુપમાં રોજેરોજ ટૂંકા ગાળામાં ઓછી રકમ પર ઊંચા વળતર મળશે તેવા મેસેજા અને અલગ-અલગ વ્યક્તિઓના નફાના સ્ક્રીનશોટ મોકલીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો.
નિરાલી સિંઘ સાંગીએ ‘સંપર્ક કરાવી એક લિંક દ્વારા વિગતો ભરાવી. આ ઉપરાંત, ‘તનુશ્રી’ નામના અન્ય એક શખ્સે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું.આરોપીઓએ આપેલા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ જુદી જુદી તારીખે કુલ ૩૫,૭૫,૦૦૦/- જમા કરાવ્યા હતા. જેમાં નિરાલી સિંઘ સાંગીએ ૨૯,૭૫,૦૦૦/- અને તનુશ્રીએ ૬,૦૦૦૦૦/- મેળવ્યા.
જાકે, આરોપીઓએ રોકેલી રકમમાંથી અમુક રકમ (આશરે ૩.૩૪ લાખ) પરત આપી હતી, પરંતુ બાકીના પૈસા અને નફાની રકમ આજદિન સુધી પરત ન આપી. જે બાદ ફરિયાદીને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ફરિયાદીએ ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિરાલી સિંઘ સાંગી, તનુશ્રી, અને આઇસીઆઇસીઆઇ ગ્રુપના એડમિન સહિતના આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૩(૫) તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬ અને ૬૬ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.