અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી વ્યસ્ત એવા ઇન્દીરા બ્રિજ પર હાલમાં એક મોટી તિરાડ જોવા મળી છે. વર્ષ ૨૦૧૨માં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો આ બ્રિજ બંને શહેરો વચ્ચેનું મહત્વનું ‘કોર કનેક્ટર’ માનવામાં આવે છે. લાખો વાહનચાલકો દરરોજ આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ બ્રિજ પર પડેલી તિરાડે હવે વાહનચાલકોમાં ફફડાટ ફેલાવ્યો છે.
થોડા સમય પહેલા સુભાષબ્રિજ પર પણ આવી જ ભયાનક તિરાડો જોવા મળી હતી. નવાઈની વાત એ છે કે સુભાષબ્રિજની ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી. ઇન્દીરા બ્રિજ પર તિરાડ હોવા છતાં તંત્ર આ ગંભીર સ્થિતિથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારના સુરક્ષા બોર્ડ કે સમારકામ વિના હજુ પણ હજારો વાહનો આ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
શહેરના જાણીતા બ્રિજાની યાદી જુઓ તો સ્થિતિ ચિંતાજનક છે. સુભાષ બ્રિજની વાત કરીએ તો સતત સમારકામ છતાં તિરાડોનો પ્રશ્ન, નહેરુ બ્રિજ અને દધિચી બ્રિજમાં સ્ટ્રક્ચરલ ખામીઓને કારણે ચર્ચામાં, હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારને કારણે તોડવાની નોબત આવી અને ઇન્દીરા બ્રિજમાં માત્ર ૧૩-૧૪ વર્ષમાં જ મોટી તિરાડો દેખાવા લાગી છે. શહેરના બ્રિજા પર પડી રહેલી આ તિરાડો માત્ર સિમેન્ટ-કોંક્રિટની તિરાડો નથી, પરંતુ તંત્રની બેદરકારી અને નબળી ગુણવત્તાના કામના જીવતા જાગતા પુરાવા છે.
સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે ટેક્સના કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો સુરક્ષિત મુસાફરી ન મળતી હોય, તો આ વિકાસનો શું અર્થ? ઇન્દીરા બ્રિજ પર પડેલી તિરાડ જો વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોશે કે પછી સમયસર જાગીને આ બ્રિજાનું યોગ્ય ટેસ્ટીંગ અને સમારકામ કરાવશે.










































