અમદાવાદની નરોડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે રીઢા ગુનેગારોને પાંજરે પૂર્યા છે. આ ચોરોની મોડસ ઓપરેન્ડી અને તેમના શોખ જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. લક્ઝરી કારમાં ફરવું અને દરરોજના ૨૦૦૦ ભાડું આપીને વટ મારવો આ શોખ પૂરા કરવા માટે આ બંને મિત્રો ચોરીના રવાડે ચડ્યા હતા. પોલીસે આ બંને પાસેથી રોકડ અને કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આવેલ શિવ એસ્ટેટમાં ગત ૨૧મી તારીખે તાળા તોડીને રોકડની ચોરી થઈ હતી. આ ગુનાની તપાસમાં લાગેલી નરોડા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. પોલીસને માહિતી મળી હતી કે સફેદ રંગની હ્યુન્ડાઈ વરના ગાડી ૧૧-૦૬૧૨ માં બે શંકાસ્પદ શખ્સો ફરી રહ્યા છે. પોલીસે ગાડી રોકી તપાસ કરતા નિકોલનો દિવ્યાંગ ઉર્ફે દિવ્યેશ રાઠોડ અને શાહીબાગનો હિતેન્દ્ર ઉર્ફે ટશન સીગોલીયા ચોરીના મુદામાલ સાથે ચોરીના કેસમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧.૪૯ લાખ રોકડા અને મોબાઈલ સહિત કાર કુલ ૯,૫૯,૫૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નરોડા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો ખુલી તે ચોંકાવનારી છે. આ બંને મિત્રોની મુલાકાત વર્ષ ૨૦૧૮માં જેલમાં થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ બંનેએ સાથે મળીને ચોરી કરવાનું નક્કી કર્યું. ખિસ્સામાં રૂપિયા ખૂટી જાય એટલે ગમે ત્યાં ચોરી કરી લેવી તેવી તેમની આદત હતી. આશ્ચર્યની વાત એ છે કે, ચોરીના પૈસાથી મોજશોખ કરવા માટે તેઓ રોજના ૨,૦૦૦ ભાડું આપી લક્ઝરી કાર ફેરવતા હતા.
માહિતી આપતા નરોડો પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી. મુખ્ય સૂત્રધાર દિવ્યાંગ રાઠોડ સામે અગાઉ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૩૫ જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે તેના સાથીદાર હિતેન્દ્ર ઉર્ફે ટશન સામે પણ લૂંટ અને ચોરી જેવા ૯ ગુના નોંધાયેલા છે. નરોડા પોલીસે આ બંનેની ધરપકડ કરી હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, શું તેમણે આ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારોમાં તાળા તોડ્યા છે કે કેમ? જેલમાં થયેલી મિત્રતા આ બંનેને ફરી જેલના સળિયા પાછળ લઈ ગઈ છે. લક્ઝરી કારમાં ફરતા આ ટશન વાળા ચોરો હવે પોલીસ પકડમાં આવ્યા છે.










































