અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ચારતોડા કબ્રસ્તાન પાસે રોડ પહોળો કરવાની કામગીરી કરાશે. આ માટે કબ્રસ્તાનની જમીન કપાતમાં જતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારતોડા કબ્રસ્તાનને નોટિસ આપવામાં આવી છે. ઇડીની અમલવારી સંદર્ભે ચારતોડા કબ્રસ્તાનની ૩૦૦થી વધુ કબરો બીજી જગ્યાએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. જેના કારણે કબ્રસ્તાનની આ કબરો પર ડિમોલેશનનો ખતરો જોવા મળી રહ્યો છે.
શહેરના કાળીદાસમીલ ચાર રસ્તા થઈને ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધીનો રસ્તો ૩૦.૫૦ મીટર પહોળો કરવા માટે દબાણોને હટાવવા એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. જેમાં ચારતોડા કબ્રસ્તાનની દિવાલ તથા ૩૦૦ જેટલી કબરોને પણ હટાવવા માટે નોટિસમાં કહેવાયું છે. આ માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોકે સ્થાનિક લોકો મુજબ શરિયતના કાયદામાં કબરોને સ્થાનાંતરિત કરવાની કોઈ જોગવાઈ નથી. તેમની માંગણી છે કે, વિસ્તારનો વિકાસ થાય પણ કબ્રસ્તાનમાં આવેલી તેમના સ્વજનોની કબરને ત્યાંથી હટાવવામાં ન આવે.
આ અંગે ગોમતીપુરના કાઉન્સીલર ઝુલ્ફીકાર ખાન પઠાણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મ કબરોને એક જગ્યાએથી બીજા સ્થળે ખસેડવાનો કોઈ ઉલ્લેખ નથી. ચારતોડા કબ્રસ્તાનમાં ૬૦૦ વર્ષથી વધારે જૂની દાદી માઈ કા રોજા નામની ઐતિહાસિક ઈમારત છે. ગત જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં થયેલી નોંધ અનુસાર કબ્રસ્તાન વિસ્તારમાં કંઈ તોડી પાડવામાં આવશે નહીં, તેવું સરકારી વકીલે જણાવ્યું. તદુપરાંત કબ્રસ્તાનની આ જગ્યા વક્ફ કાયદા હેઠળ સુરક્ષિત છે. પરિણામે આ મિલકત કોઈ વ્યક્તિ કે સત્તાને ટ્રાન્સફર કરી શકાતી નથી.
તો મ્યુનિસિપલ કાઉન્સીલર ઝુલ્ફીકાર ખાન પઠાણે જણાવ્યું હતું કે, આખો મામલો ગોમતીપુરમાં ડિમોલેશન કાર્યવાહીથી શરૂ થયો હતો, અને ગયા વર્ષે ઇડી અમલીકરણ લાગુ કરવામાં આવ્યું હતું, અને આ મામલો કબ્રસ્તાનની સીમા પર અટકી ગયો હતો. થોડા દિવસો પહેલા, મ્યુનિસિપલ કોર્પોરેશનના સુન્ની મુસ્લીમ વકફ કમિટીને ધાર્મિક રીતે સ્થળ પરથી કબરો દૂર કરવા માટે નોટિસ મોકલી હતી. જેથી રસ્તા બનાવી શકાય. તે પછી, અમે પહેલા અમારા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યા. તેમણે અમને ખાતરી આપી હતી કે કાનૂની પ્રક્રિયા અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, કબરો સ્થાનાંતરિત કરવા માટે અમારા શરિયતના કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. અમે ઇચ્છીએ છીએ કે તમે ગમે તેટલો વિકાસ કરો, પરંતુ કબ્રસ્તાનની જમીન પર દખલ ન કરો.
સ્થાનિક અયુબ ભાઈએ સમજાવ્યું કે, થોડા દિવસો પહેલા, અમને ખબર પડી કે ચારતોડા કબ્રસ્તાનમાં કેટલીક કબરોને સ્થાનાંતરિત કરવા માટે નોટિસ મળી છે. મારા પિતાની કબર ૧૯૯૭ થી ત્યાં છે, અને મારા કાકા અને તેમના કાકાની કબર પણ ત્યાં દફનાવવામાં આવી છે. મારા આખા પરિવારની કબરો અહીં દફનાવવામાં આવી છે, અને હવે તેમને દૂર કરવાની વાત કરવામાં આવી રહી છે. અમે સરકારની વિકાસ પહેલને સમર્થન આપીએ છીએ, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે આ કબરોને હટાવ્યા વિના વિકાસ થાય.
પુજારીની ચાલમાં રહેતા સલીમ ભાઈ ઘાંચીએ કહ્યું, “મારા પિતાની કબર ૧૯૯૬થી આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. અને અમારા પરિવારના ઘણા સભ્યોની કબરો પણ અહીં દફનાવવામાં આવી છે. અમને તેમની કબરો ખસેડવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઇસ્લામમાં, કબરો દૂર કરવામાં આવતી નથી. તેથી અમે ઇચ્છીએ છીએ કે આ કબરો અખંડ રહે.”
ચારતોડા કબ્રસ્તાન મુદ્દા અંગે, વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે કહ્યું, “એક તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરના લોકોના ઘરો તોડી પાડે છે. સૌથી શરમજનક વાત એ છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની કબર છોડવા તૈયાર નથી.” થોડા કબ્રસ્તાનમાં ઇડીના નામે એક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં આ વિસ્તારમાં ૬૦૦ વર્ષ જૂની દરગાહ સહિત ૨૮૩ કબરોને ખસેડવા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અને ગોમતીપુરના સ્થાનિક રહેવાસીઓએ સંયુક્ત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એક દરખાસ્ત સુપરત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, ઇસ્લામમાં કબર ખસેડવાની પરવાનગી નથી. ૬૦૦ વર્ષ જૂની દરગાહ સહિત ઘણા વર્ષોથી ત્યાં રહેલી કબરોને દૂર કરવાનો કહેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી છે કે આ બાબતની ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવા માંગે છે કે ધાર્મિક મુદ્દાઓના નામે અમદાવાદના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, મંદિરો, મસ્જીદો, કબરો અને સ્મશાનના મુદ્દાઓને છોડીને મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેથી, અમે માંગ કરીએ છીએ કે આ નોટિસ રદ કરવામાં આવે.






































