અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધોરણ ૧૦ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના પાછળનું કારણ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂની અદાવત કારણભૂત છે. મળતી માહિતી મુજબ ધોરણ ૮ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વચ્ચે સીડી પર ધક્કો લાગવાને લઈને થોડા દિવસો પહેલા તકરાર થઈ હતી. આ અદાવતને કારણે જ ધોરણ ૮ના એક વિદ્યાર્થીએ ધોરણ ૯ અને ૧૦ના અન્ય વિદ્યાર્થીઓને સાથે રાખીને નયન પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલો શાળાની બહાર થયો હતો. હુમલા બાદ નયન પેટ પકડીને શાળામાં આવ્યો હતો. તેને રિક્ષામાં બેસાડીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હત્યા કરનાર કિશોર શાહઆલમનો રહેવાસી છે અને ખોખરા પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુસ્સે ભરાયેલા વાલીઓએ શાળા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

વાલીઓનું કહેવું છે કે શાળામાં બાળકો સુરક્ષિત હોવા જોઈએ, પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું છે કે બાળકો અહીં સુરક્ષિત નથી. કેટલાક વાલીઓએ જણાવ્યું છે કે જ્યારે બાળકો કોઈ પણ રજૂઆત કરે છે, ત્યારે શિક્ષકો તેને “ઇગ્નોર કરવા” માટે કહે છે.વાલીઓનો આરોપ છે કે જ્યારે નયન પર હુમલો થયો, ત્યારે શાળામાંથી કોઈએ તેને મદદ ન કરી.

ધોરણ ૮નો વિદ્યાર્થી છરી સાથે શાળામાં કઈ રીતે પ્રવેશ્યો, તે મોટો સવાલ છે. આ અંગે શાળાનું કહેવું છે કે તેઓ રોજ બાળકોની તપાસ કરે છે, અને કદાચ બાળકે શાળાની બહાર ગાડીમાં છરી રાખી હશે. જોકે, ધોરણ ૮નો વિદ્યાર્થી ગાડી લઈને કઈ રીતે આવ્યો, તે પણ મોટો સવાલ છે.

આ મામલે શાળાના એડમિન મયુરીકા પટેલે નિવેદન આપ્યું છે કે થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાને કારણે તકરાર થઈ હતી. તેમણે જણાવ્યું કે બાળકે શાળામાં આ અંગે રજૂઆત નહોતી કરી, પરંતુ વાલીને જાણ કરી હતી. તેમણે દાવો કર્યો કે ઘટના શાળાની બહાર બની હતી. આ ઘટનાના વિરોધમાં આજે શાળા બંધ રાખવામાં આવી છે.