શહેરનાં ચંડોળા તળાવ બાદ ફરી એકવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. શહેરના સૌથી મોટા તળાવની યાદીમાં આવતા ઇસનપુર તળાવ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ૯૦૦થી વધુ મકાન, ધાર્મિક સ્થળો અને કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરાયા હતા.એએસમી ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે આ અંગે માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઇસનપુર તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલું છે. તળાવનો અંદાજિત વિસ્તાર ૯૫,૬૪૦ ચો.મી. છે. તળાવમાં વ્યાવસાયિક પ્રકારના ૧૬૭ જેટલા બાંધકામોને અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં તળાવની અંદર ૯૨૫ જેટલા રહેણાંક પ્રકારના ગેરકાયદેસર બાંધકામો છે. આ ઉપરાંત ધાર્મિક પ્રકારના કુલ ૧૫ બાંધકામો છે.ડિમોલિશનની કામગીરી માટે સમગ્ર તળાવને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. આ કામગીરી માટે દક્ષિણ ઝોન ઉપરાંત પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. આ ચાર ભાગ માટે પોલીસ વિભાગની અને એએમસી અલગ અલગ કુલ ૧૨ ટીમોની રચના કરી ડિમોલિશનની કામગીરી ચાલુ કરી છે.શહેરમાં પર્યાવરણની જાળવણી માટે તળાવમાં ગેરકાયદેસર દબાણો હોય તે ઈચ્છનીય નથી. તળાવમાં પાણીનો સંગ્રહ કરી જમીનમાં પાણીના તળ ઊંચા આવે તે માટે તળાવમાં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલ બાંધકામો દૂર કરવા જરૂરી છે. આથી, તળાવમાં રહેતા રહીશોને નોટિસ આપી પોતાના બાંધકામો સ્વેચ્છાએ દૂર કરવા જણાવેલ. આ નોટિસને કારણે ઘણા લોકોએ પોતાના મકાનો ખાલી કરી દીધેલ. ત્યારબાદ ફરીથી તા.૨૦ નવેમ્બરના રોજ તળાવમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને નોટિસ આપી સ્વેચ્છાએ તળાવ ખાલી કરવા જણાવેલ. લોકોની માંગણીને ધ્યાને લઈ, સ્વેચ્છાએ મકાન ખાલી કરવા વધારાનો ચાર દિવસનો સમય આપવામાં આવેલ છે.માનવતાના ધોરણે તળાવમાં રહેતા લોકોને આવાસ મળી રહે તે માટે તેઓને તળાવમાં વસવાટ અંગેનો જરૂરી પુરાવાઓ જેવા કેઃ આધારકાર્ડ, રાશનકાર્ડ, વીજળીબિલ વગેરે રજૂ કરવા જણાવવામાં આવેલ. આવા પુરાવાને આધારે તળાવમાં રહેતા લોકોને ભારત સરકારની પીએમએવાય ૨.૦ હેઠળ આવાસોની ફાળવણી કરી શકાશે.હાલમાં ડિમોલિશન માટે કુલ ૮ હિટાચી, ૮ જેસીબી, ૧૨ દબાણગાડી સાથે કુલ ૪૦૦ જેટલા મજૂર સાથે કામગીરીનું આયોજન કરેલ છે. આ કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર અને મેડિકલની ટીમને પણ સાથે રાખવામાં આવેલ છે. સલામતીને ધ્યાનમાં લઈ કામગીરી શરૂ કરતા પહેલા ગેરકાયદેસર આવાસોમાં પૂરા પાડવામાં આવેલ વીજ જાડાણ ટોરેન્ટ દ્વારા દૂર કરવામાં આવેલ છે.