આજે અમથાલાલ બોલી રહ્યાં હતાં. ઘણાં સમયથી બકો અને બોસ જ બોલતાં. અમથાલાલની વાત સાંભળવા સિવાય છૂટકો નહોતો. કોણ જાણે,આજે અમથાલાલનો વારો આવી ગયો.
‘બકા, તને ખબર છે ? એક સમય હતો કે, ગામમાં કોઈ હારી સાયકલ લાવે તોય લોકો વાતો કરતાં. અને ડોક્ટર જૂનું રાજદૂત લઈને આવે તો લોકો ટોળે વળીને જોવાં જતાં. હટાણું કરવાં હાલીને બાજુનાં ગામમાં જતાં એ હાલવાની મજા જ કંઈક અલગ હતી. ટોળટપ્પા કરતાં કરતાં રસ્તો ક્યાં કપાય જતો ખબર જ ના પડતી.
અને આજે !? છોકરાની ચોકલેટ કે માવાની ફાકી લેવા જવું હોય શેરીના નાકે તોય મોટરસાયકલ ઉપર જાય છે.’
‘હા પણ, વાત શું છે? મોટરસાયકલ છે, તો જાય એમાં અકળાવ છો કેમ ?’ બકાને અમથાલાલની વાતમાં કાંઈ ટપો ના પડ્‌યો.
‘બકા ભલેને મોટરસાયકલ ઉપર સુતા સુતા જાય. સરકારને વાંધો નથી, ઇ્‌ર્ં ને વાંધો નથી, તો મને શું વાંઘો હોય!??’
‘તો પછી, તમને વાંધો શું છે?’
હવે બકો અકળાયો. ‘કોઈને કાંઈ વાંધો નથી. ઈ જ મોટો વાંધો છે.
પણ, મારે વાત જરાં જુદી કરવી હતી. ક્યાં એ જમાનો. લોકો જૂનું રાજદૂત જોવાં ટોળે વળતાં અને ક્યાં આ જમાનો. ગામમાં રૂપિયા ચૌદ લાખનો દાગીનો આવ્યો છે. તો કોઈને જોવા જાવાનો ટાઈમેય નથી. અને શા માટે ટાઇમ હોય!? કોઈની પાસે રૂપિયા સો કરોડની ગાડી હોય તોય ફરક પડતો નથી. તો આ તો રૂપિયા ચૌદ લાખની વાત છે.’
‘અમથાલાલ! જરાં ઓછું ફેંકો. સરકારી જાહેરાતો મુજબ સાવ હાંકોમાં. સો કરોડની ગાડી ? અને એય તે ચાર પૈડાંવાળી ??’
‘હા હા. ચાર પૈડાંવાળી જ. અને એય તે ચાર ચાર બંગડીવાળી ગાડી છે ને એ જ ઓડી કંપનીની ગાડી. ’ઓડી ૯” ની કિંમત છે રૂપિયા સો કરોડ.
‘તો તો આવી ગાડી ખરીદવી એ ભારત વાળાનું કામ નઈ.’
‘અરે શું વાત કરો છો? ભારતમાં ય એક ગાડી છે.
કંપનીએ મૂળ દસ જ નંગ તૈયાર કરી છે. એમાં એક આપણાં ગુજરાતી મુકાકાકાની ઘરવાળી પાંહે આ ‘ઓડી ૯’ છે.’
‘શું વાત કરો છો અમથાલાલ? નીતાકાકી અંબાણી પાંહે રૂપિયા સો કરોડની ગાડી છે!?’
‘જેનો ધણી જન્મદિવસની ભેટમાં પ્રાઈવેટ પ્લેન આપતો હોય. ઈ આવી ગાડી તો આપે જ ને.’
‘હા પણ અમથાલાલ, એ સો કરોડની ગાડી તો આપણને જોવાં મળવાની નથી. અને આપણે એ જોવી પણ નથી. પણ, રૂપિયા ચૌદ લાખની ગાડી ગામમાં કોણ લઈ આવ્યું? ઈ તો આપણે જોઈએ. ગામ જૂએ કે ના જૂએ. આપણે એ ગાડી જોવી છે. ભવિષ્યમાં આપણે એકાદ બે લાખની ગાડી લેવી હોય તો જોયેલું કામ આવે.’
‘બકા, આ દાગીનો જોયાં પછી તારે ગાડી લેવામાં કોઈ કામ નહીં આવે.’
‘કેમ? કેમ? કામ નહીં આવે ? ગાડીનું એન્જીન બેન્જીન જોયું હોય તો અનુભવ થાય ને.’
‘અરે પણ બકા, આ દાગીનાને એન્જીન જ નથી.’
‘તો પછી, ઈલેક્ટ્રીક ગાડી છે. એમ ભહોંને.’
‘હજી હમજયો નઈ બકા. આ ઈલેક્ટ્રીક ગાડી’ય નથી. આ તો કચ્છની બન્ની જાતિની ભેંસ છે.’
‘તમેય તે શું અમથાલાલ મજાક કરો છો. ચૌદ લાખની ભેંસ કોઈ લેતું હશે ??’
‘હા હા સેરવા ગામનાં શેરૂભાઈ ભાલુએ રૂપિયા ચૌદ લાખ અને એક હજાર લટકાંના આપીને ભેંસ લાવ્યાં છે.’
‘અમથાલાલ, આ શેરૂભાઈ કઈ દુનિયામાં જીવે છે? રૂપિયા ચૌદ લાખની ગાડી ફળિયામાં પડી હોય તો, છોકરાનાં માગા ફટાફટ આવે. હવે આ ભેંસ જોઈને કોણ છોકરી આપવાનું છે? આજકાલ ગાડી વગર લાડી ક્યાં મળે છે?? એટલે તો હું ય વિચારું છું કે, એકાદ બે લાખની ગાડી લઈને મૂકી દઉં. માથે કર્યા હશે તો દેવાશે.’
‘બકા, તારી વાત હાવ ખોટી તો નથી. પણ શેરૂભાઈ પણ ખોટા નથી.’
‘કેમ ખોટા નથી? આજકાલ ઢોર ઢાંખર જોઈને કોઈ છોકરી આપે છે? કોઈને છાંણ વાસીદા કરવાં છે??
હા, દૂધ હંધાયને ખાવું છે.’
‘બસ, આ જ વાત છે બકા ‘દૂધ ’. દૂધ જોઈને જ શેરૂભાઈ આ ભેંસ લાવ્યાં છે. રોજનું સત્યાવીસ લીટર દૂધ આ ભેંસ આપે છે. હવે તું ગણવા માંડ. ઓછામાં ઓછા લીટરના રૂપિયા સાંઈઠ ગણો તો મહિનાની કેટલી આવક થઈ??’
‘ઓ..હો..હો. મારું તો ભેજું ભમી ગયું. સાંઈઠ રૂપિયા લીટર ગણો તોય મહિનાનાં થયાં ૪૮૬૦૦/- અને ૨૮ મહિનામાં ભેંસ મફત.’
‘અને બકા, મને લાગે છે કે, ભેંસોના હવે દિવસો આવ્યાં છે. કાનપુરમાં ભેંસોનું બ્યુટીપાર્લર ખુલ્યું છે. અને એય બોવ હારી કમાણી કરે છે.
હવે તું કે જઈ, બીજાં એક વરસમાં એ નવી ગાડી ફળિયામાં ઉભી રાખે કે નઈ ??
અને તું ગાડી લાવીને બે -ત્રણ વરસમાં એકાદ કટકું વેચવા કાઢે. આટલો જ ફરક.’
‘તમારી વાત હાસી છે અમથાલાલ. આવું ગણિત મારે શેરૂભાઈ પાંહે ભણવા જાવું પડશે.’
‘તોય શેરૂભાઈને હંધાય ગાંડા જ ગણે છે. પણ, હવે તું જ નક્કી કર કે, ગાંડુ કોણ છે!??’  kalubhaibhad123@gmail.com