અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના ઈન્સ્પેક્ટર કૌશિક અનવંતરાય કારેલિયાને ૫ વર્ષની સખત કેદ અને રૂ. ૬૩ લાખના દંડની સજા ફટકારી છે. આ સાથે જ ગુનામાં મદદગારી કરવા બદલ તેમની પત્ની પૂજા કારેલિયાને પણ એક વર્ષની કેદ અને રૂ. ૫૦,૦૦૦ના દંડની સજા સંભળાવવામાં આવી છે.
આ કેસનો આરોપી કૌશિક અનવંતરાય કારેલિયા એપ્રેઝર હતો અને કંડલા સેઝનો પ્રીવેÂન્ટવ ઓફિસર હતો.સીબીઆઇ દ્વારા આ કેસ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૩ વચ્ચેના ગાળામાં આરોપીએ પોતાની જ્ઞાત આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ એકઠી કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ પાસે રૂ. ૫૭,૬૦,૭૨૯ ની અપ્રમાણસર મિલકત હતી, જે તેમની કાયદેસરની આવક કરતા ૧૮૩.૫૭% વધુ હતી. સીબીઆઇ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૪માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ, તમામ પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી આ કડક સજાનો આદેશ આપ્યો છે.