પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ રિલાયન્સ ગ્રુપના વડા અનિલ અંબાણીને ૫ ઓગસ્ટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અનિલ અંબાણીને તેમની ગ્રુપ કંપનીઓ સામે કથિત લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે.સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ૬૬ વર્ષીય અનિલ અંબાણીને દિલ્હી સ્થિત ઈડી મુખ્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ અહીં પણ નોંધવામાં આવ્યો છે. એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન રેકોર્ડ કરશે.
ગયા અઠવાડિયે ફેડરલ એજન્સી દ્વારા તેમના બિઝનેસ ગ્રુપની ઘણી કંપનીઓ અને અધિકારીઓ પર દરોડા પાડવામાં આવ્યા બાદ સમન્સ જારી કરવામાં આવ્યું છે. ૨૪ જુલાઈથી શરૂ થયેલા દરોડા ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. આ કાર્યવાહી અનિલ અંબાણીની અનેક ગ્રુપ કંપનીઓ દ્વારા કથિત નાણાકીય અનિયમિતતાઓ અને રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુના સામૂહિક લોન ડાયવર્ઝન સાથે સંબંધિત છે. ઈડીની કાર્યવાહીના ભાગ રૂપે મુંબઈમાં ૩૫ થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યાઓ ૫૦ કંપનીઓ અને ૨૫ લોકોની હતી, જેમાં અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓના ઘણા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ઈડીના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ મુખ્યત્વે યસ બેંક દ્વારા ૨૦૧૭-૨૦૧૯ દરમિયાન અંબાણી ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલા લગભગ રૂ. ૩,૦૦૦ કરોડના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપો સાથે સંબંધિત છે. બે ગ્રુપ કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે દરોડાની તેમના વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, કર્મચારીઓ અથવા અન્ય કોઈપણ હિસ્સેદાર પર કોઈ અસર પડી નથી.
ઈડી સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન યસ બેંકમાંથી લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીને જાણવા મળ્યું છે કે યસ બેંકના પ્રમોટરોએ લોન આપવામાં આવે તે પહેલાં જ તેમના વ્યવસાયમાં ભંડોળ મેળવ્યું હતું. આને ધ્યાનમાં રાખીને, એજન્સી લાંચ અને લોનના આ જાડાણની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સી યસ બેંક દ્વારા રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓને લોન મંજૂરીઓમાં ગંભીર ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી રહી છે. ઈડીની કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, નેશનલ ફાઇનાન્શીયલ રિપો‹ટગ ઓથોરિટી,બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન સહિત અનેક નિયમનકારી અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મળેલા ઇનપુટ્સ પર આધારિત છે.
એસઇબીએ તાજેતરમાં અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ‘છેતરપિંડી’ તરીકે વર્ગીકૃત કર્યા પછી ઈડ્ઢ ના દરોડા પડ્યા. ૧૩ જૂન, ૨૦૨૫ ના રોજ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેતરપિંડીના જાખમ વ્યવસ્થાપન અને તેની આંતરિક નીતિ પર જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર,એસબીઆઇએ કંપની અને તેના પ્રમોટરને આ શ્રેણીમાં ચિહન કર્યા. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે એસબીઆઇએ ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ આરબીઆઇને આ બાબતની જાણ કરી હતી. બેંક હવે સીબીઆઇમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. ૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ,આરકોમના રિઝોલ્યુશન પ્રોફેશનલે બોમ્બે સ્ટોક એક્સચેન્જને તેની પાલન જવાબદારીઓના ભાગ રૂપે એસબીઆઇના નિર્ણય વિશે માહિતી આપી.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ પર કથિત રીતે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લોન છેતરપિંડીનો આરોપ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ પર કેનેરા બેંક સાથે રૂ. ૧,૦૫૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો પણ આરોપ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કંપનીના અઘોષિત વિદેશી બેંક ખાતાઓ અને વિદેશી સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.