ઉનાળાનો તાપ હતો છતાય સ્ત્રીઓ ખરીદીના બહાને નીકળી પડી હતી. એમાં બે સ્ત્રીઓ સ્વભાવગત આગળ ચાલી રહી હતી અને વાતોમાં એવી તો મશગુલ થઇ ગયેલી હતી કે આસપાસનું વાતાવરણ ભુલી બેઠી હતી. હવે આ તક સારી લાગતા એણે ચાલવાની ગતિ વધારી અને નાની સ્ત્રીના ગળા (ડોક)માંથી પાછળ આવતા દિલીપે તરાપ મારી સોનાનો ચેઇન ખેંચીને નાસવા લાગ્યો.
પણ શાકમાર્કેટ અને સોનીબજારની ભીડમાં દિલીપથી ભાગી શકાય તેમ ન હતું ‘ ચોર ચોર’ બુમ પાડતા સ્ત્રીનો અવાજ સાંભળતા અન્ય લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું ને નાસતા ચોર પાછળ પડયું. હવે ટાવર ચોક આવતા ઠેસ આવતા ભાગતો ચોર પડી ગયો. બસ પછી તો લોકોમાં શુરાતન ચડયું. પાછળ દોડતા લોકોમાંથી કેટલાક તો ચોરને ઢીબવા લાગ્યા. ગદડા પાટુંનો માર સહન ન થતા એ નીચે પડયો રહ્યો, હાફતો રહ્યો. મોઢામાંથી લોહી વહેવા લાગશે એ જાઇ એને થયું કે લોકો મારી નાખશે. ચોરની દશા જાઇને એક ધર્મપ્રેમીએ કહ્યું ‘ અરે બીચારો મરી જશે, હવે તેને મારો નહી અને પોલીસ સ્ટેશને સોંપી દો આપણાથી મરાય નહીં, ત્યાં પેલી બેય સ્ત્રીઓ દોડતી હાંફતી આવી પહોંચી અને કોઇ હિંમતવાને ચોરના હાથમાંથી ચેઇન લઇને પેલી સ્ત્રીને આપતા કહ્યું ‘ ધ્યાન રાખતા હો તો અત્યારે સોનાના દાગીના પહેરવાનો જમાનો નથી લ્યો તમારો ચેઇન ’
લોકોનું ટોળુ જમા જ હતું. ‘ લોકો મહેનત કરીને કમાવાના બદલે ચોરી શું કામ કરતા હશે ?’ આવી વાતો થઇ રહી હતી. અરે આ ચોર છે કે કોણ જુઓ. આ તો રડવા લાગ્યો’ ત્યારે દિલીપ ચોર બોલ્યો ‘ ભાઇ હું ચોર નથી હું મજૂરી કામ કરૂ છું પણ છેલ્લા છ મહિનાથી હુ જે પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કરતો હતો એ કોરોના મહામારીના લીધે બંધ છે. અત્યાર સુધી ઘરનો સામાન વેચીને દિવસો કાઢ્યા પણ છેલ્લા બે દિવસથી લગભગ ઉપવાસ છે. છોકરાઓનું દુઃખ ન જાવાયું ત્યારે ચોરી કરવા તૈયાર થયો.’ ‘આ કોરોનાએ તો ભારે કરી છે.’ એક દાદાને દયા આવી ‘ લે ભાઇ તારા છોકરા માટે કઇક ખાવાનું લઇ જજે’ કહીને દસની નોટ આપી.
અને પછી તો ટોળામાં હૃદય પરિવર્તન થયું. મારવા માટે ઉપડેલા હાથ ફટાફટ સૌના ખિસ્સામાંથી પૈસા કાઢી દિલીપ સામે નાંખવા લાગ્યા. રૂપિયા તેની માથે વરસવા લાગ્યા. દિલીપને એક જણાએ ઉભો કરી એકઠા થયેલ પૈસા આપ્યા. ઢોરમાર મારતા હાથ અત્યારે ચોર પર અનુકંપા વરસાવી રહ્યા હતા. ખરેખર તો માણસ સારો જ હોય છે પણ પરિસ્થિતિ જ ભાન ભુલાવી લાચાર બનાવે છે. (ચોર) દિલીપ ટોળાને તાકી રહ્યો.