અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની નિયમનકારી તપાસ વધુ તીવ્ર બનાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટેસ્ટગેશન અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સતત તપાસ બાદ, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે હવે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અને સીએલઇ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક ગ્રુપ કંપનીઓમાં ભંડોળના કથિત ગેરરીતિની નવી તપાસ શરૂ કરી છે.સૂત્રો અનુસાર,એમસીએની પ્રારંભિક તપાસમાં કંપની કાયદા હેઠળ મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને નોંધપાત્ર ઉલ્લંઘનો સૂચવ્યા પછી, કેસ હવે ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલયને સોંપવામાં આવ્યો છે. એસએફઆઇઓ  વિવિધ રિલાયન્સ ગ્રુપ કંપનીઓમાં ભંડોળના પ્રવાહની તપાસ કરશે અને વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરે જવાબદારી નક્કી કરશે તેવી અપેક્ષા છે. તપાસના તારણોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.એમસીએનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ઈડીએ દેવાગ્રસ્ત રિલાયન્સ ગ્રુપ સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઈડીએ રિલાયન્સ ગ્રુપ કંપનીઓની આશરે ૭,૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ૩૧ ઓક્ટોબરના રોજ, ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગ્રુપની ૪૨ મિલકતો જપ્ત કરવા માટે ચાર અલગ-અલગ કામચલાઉ આદેશો જારી કર્યા હતા. આમાં મુંબઈના પાલી હિલમાં અનિલ અંબાણીના પરિવારનું ઘર તેમજ તેમની કંપનીઓની અન્ય રહેણાંક અને વાણિજ્યક મિલકતોનો સમાવેશ થાય છે. જપ્તી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની સંબંધિત કંપનીઓ સાથે સંકળાયેલા કેસોથી સંબંધિત છે. આ કેસ ૨૦૧૭ અને ૨૦૧૯ વચ્ચે યસ બેંક પાસેથી લેવામાં આવેલી લોનના કથિત દુરુપયોગથી સંબંધિત છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર સ્પષ્ટ કરવા માંગે છે કે બંને કંપનીઓના સંચાલન, કામગીરી અથવા ભવિષ્યની સંભાવનાઓ પર કોઈ નોંધપાત્ર અસર પડી નથી. શેરબજારને આપવામાં  આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર બંને સામાન્ય રીતે કાર્યરત છે.