અનિતા ભીની આંખે બાપુ સામે તાકી રહી.
મશરૂ કહેતો હતો ઃ ‘દીકરી, આપણું આભલું છોડીને આપણે બીજા કોઇના આભલામાં (અકાશમાં) ઊડવાની ચેષ્ટા કરીએ તો એનું પરિણામ બૂરૂં જ આવવાનું ! આપણે તો ભલું આપણું જીવતર અને ભલો આપણો કૂબો ! તે અણસમજમાં મોટા મોટા સપના જાઇ નાખ્યા એટલે દુઃખી થવા સિવાય કોઇ આરો રહ્યો નહીં. આવા મોટા મોટા માણસો આપણને ચૂસીને ફેંકી જ દેવાના. એની કરતા આપણે આપણું જીવતર આપણા સમોવડિયાની હારે જ મંડાય ! દીકરી, ઉઠ ઉભી થા. ભૂલ્યા ત્યાંથી સવાર !! એના પહેરવેશ, બોલચાલ અને દેખાવ જાઇને જ હું પહેલી નજરે કળી ગયો હતો પણ તું આટલો સમય એની ભેગી રહી ત્યાં લગી સમજી જ ન શકી, કે ન ઓળખી શકી. પણ વાંધો નહીં, જે થયું તે ! ભૂલી જા બધુ ય ! અને હાલ, ઘરે તારી મા રાહ જુએ છે !”
મશરૂ એને ઘરે લઇ આવ્યો ત્યારે એનો ચહેરો જાઇને ઓરમાન માએ છાસિયું કર્યું. વહરા વેણ કાઢતા બોલી ઃ ‘ ગઇ’તી તો બહુ મોટા ઉપાડે તારા મામાને ત્યાં ! તે ત્યાંથી ભાગી તે શે’રમાં આવા માલેતુજાર ખોરડાની માલીપા નોકરાણી થઇને રહી, પણ કયાંય નો સમાણીને ? મને ખબર જ હતી કે તારો ટાંટિયો ક્યાંય ટકવાનો નથી.”
“હવે મૂંગી રે’ ને તું ય તે. ” મશરૂ પત્ની પર ખીજાણો ઃ “હજી તો ઇ આવી, ઇ ભેગી એને લેતી પડે છો ? કાંઇક તો દયા રાખ, કાંઇક તો દયા રાખ્ય ! ઇ મારી દીકરી છે, કોઇ અવર નથી સમજી ?’
‘ હા, હા… બધુંય સમજી ચૂકી છું બધુંય… સમજ્યા ? ’ ઓરમાન મા નો પિતો ઉછળ્યો ઃ ‘ મને તો સંધીય ખબર પડે છે પણ તમને ખબર નથી કે…’ એટલું બોલીને એ અચાનક અટકી ગઇ,
‘ શું ખબર નથી ?’ મશરૂ ખીજાઇને બોલ્યો ઃ ‘ બોલ્ય, બોલ્ય અટકી કાં ગઇ ? ’
‘ મને કહેતા શરમ આવે છે પણ તમારી લાડકીને નથી આવી. પૂછી જુઓ એ કે ઇ કેવા છાનગપતડા રમીને આવી છે ? એના દરહણ, એની આંખ્યુ અને તમારી દીકરીની આંખ્યુ જાતા પાક્કું જ થઇ ગયું છે કે, બેન બા નક્કી કંઇક કમાણા લાગે છે. આતો ઓલ્યા જેવુ છે, જેવું એનું કામ પૂરૂં કે ઘરમાંથી કાઢી મૂકી સમજ્યા ? અને પછી લોઢે લોઢું કાપે એવા વહરા વેણ કાઢતા બોલી ઃ તમે ગમે ઇ પાણે મારો હાથ મુકાવો, બાકી તમારી છોડી બોટાઇ ગઇ છે બોટાઇ સમજ્યા ?’
‘મા આ આ આ….’ અનિતાએ ચીસ નાખી, આ ચીસ એટલી પ્રચંડ હતી કે આસપાસના મહોલ્લાવાળા ઘરમાં ભેગા થઇ ગયા.
‘તું શું બોલે છે ભાન છે તને ?’ અનિતા હડી કાઢીને ઓરમાન મા પાસે જઇને ત્રાડી ‘આવું બોલતા જીવ કેમ હાલ્યો તારો ? તારી જીભ કપાઇ કાં ન ગઇ મા ? અરે, જાયા જાણ્યા વગર મારી ઉપર આવા ખોટા આળ ઓઢાડે છોને, તો જીભમાં જીવડા પડશે જીવડા…સમજી ? ’
એ ભેગા જ ઓરમાન માએ એક થપાટ અનિતાના ગાલ ઉપર ઝીંકી દીધી. અનિતાના કાનમાં તમરા બોલી ગયા એ સૂન્ન થઇ ગઇ, અને બીજી જ પળે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.‘ હવે રોયે પાર નહી આવે અભાગણી ! અસ્તરીનું આભૂષણ તો તું લૂંટાવીને આવી છો હવે શું
રોવાનું ? ’
અને અનિતાનું માથું ફાટ ફાટ થઇ ગયું એ ધસી આવી અને ડાબા જમણે બે થપાટ એણે ઓરમાન માના ગાલ ઉપર ઝીંકી જ દીધી.
ઘડીક વારમાં ગોકીરો થઇ ગયો. ઓરમાન માએ એક પાટુ ઝીંક્યું અનિતાને ! આ તરફ મશરૂએ એક ઝાપટ પત્નીને ઠોકી દીધી. રીડિયારમણ અને દેકારો થઇ ગયો, એતો આસપાસવાળા આવ્યા અને ત્રણેયને છુટ્ટા પાડ્યા. એની મા મગરના આંસુ પાડતી, બાચકો બાંધીને ભાગી. મશરૂ આડો પડ્યો પણ મશરૂને ધક્કો મારીને નીકળી ગઇ, જતાં જતાં કહે ઃ ‘ કા હું નહીં, ને કાં તારી દીકરી નહીં, જે દિ’ તારી દીકરી ઘરમાં નહીં હોય તે દિ’ આવીશ, ત્યાં લગી રહેજે ફીફા ખાંડતો… સમજ્યો નપાવટ ?
—–
એ ગઇ પછી અનિતા દોડીને બાપને બાથ ભરી ગઇ, ‘બાપુ, મેં એવો કોઇ કાળો કામો નથી કર્યો કે આપણાં કૂળની આબરૂ જાય એ માણસ કે એના ઘરના સભ્યો એવા નહોતા… હા, મને એ ગમતો હતો અને મેં એને મનોમન મારો પતિ માની લીધો હતો એ પણ મને ચાહતો હતો પણ ખબર ન પડી કે અચાનક શું થયું ? તે દિ’ શકરીકાકી મારા ઘેર આવી ચડ્યાને વાતવાતમાં એણે રાજુને યાદ કર્યો અને વહેમનું બીજ વાવતા ગયા તે દુ’નું એ ઘરનું વાતાવરણ ડહોળાઇ ગયું હતું. બાકી તો મને ઘરના સભ્યો જેમ જ’
“દીકરી, તું ભલે ગમે એમ માન… પણ ઊંચનીચના ભેદભાવ આપણે આપણાં ભાગમાં જ રમવાનું, જમવાનું, અને જીવવાનું ! તને પાંખો આવીને ઊડી પણ ખબર પડી નહીં કે એ પાંખો એમણે કઇ રીતે કાપી ? તારૂં કાળજુ દુઃખાવીને તારૂં હૈયું લૂંટી લઇને.. તને ઘરેથી જાકારો આપીને… પણ તારી ઉપર વિશ્વાસ છે એટલે, મને ધરપત છે કે એક કુંવારકાનું ઘરેણું તું અકબંધ સાચવી શકી છે, પણ, રહેતા રહેતા મનેય ખબર પડી કે રાજુડાને તું ગમતી હતી અને રાજુડો તને પણ ગમતો હતો. હું બેચાર દિ’ માં એના બાપુને મળવા જઇશ. એમને પગે પડીશ. મારૂં ફાળીયું ઉતારીશ પણ મારી દીકરીના નસીબમાં રાજુડા જેવો ધણી મળતો હોય તો હું, ગમે ઇ કરવા તૈયાર છું. ’
‘બાપુ…’ અનિતા રોઇ પડી કે મશરૂએ એને છાની રાખી ‘ બેટા, તારા માટે રાજુડો સારામાં સારો છોકરો છે. હવે તને પેલો માણસ મળવાનો નથી અને એના સપનાં જાવાનુંય માંડી વાળ હું તને સાચું કહું છું. તું દીકરી એટલું માન કે એક બાપ મરણ પથારીએ પડ્યો છે અને મરતા ટાણે જે કોઇ બાપ પોતાના સંતાન પાસે વચન માંગે એમ આજે તારી પાસે વચન માંગી રહ્યો છું દીકરી !’
જવાબમાં અનિતા બાપને બાથ ભરી ગઇ એ બાપ દીકરીના મિલનમાં દીકરી પક્ષે તો નકરી પીડા હતી, આંસુ હતા, દર્દ હતું. તો સામે પક્ષે એક સુકુન હતું, એક જંગ જીતી ગયાનો વિજય હતો. કદાચ એક દીકરીની લાગણીને કે એના ઝનૂનને જીતી લેવાનું થોડું ઘણું અભિમાન પણ હતું, એક તરફ હાર હતી. બીજી તરફ જીત હતી.
મશરૂએ દીકરીને ક્યાંય લગી સાહ્યા કરી. બાપ, આગળ દીકરી હારી ગઇ હતી. અનિતા દોડીને ઓરડામાં ચાલી ગઇ અને સાંધામાંચી ઉપર ઢગલો થઇને રડી પડી. એ રૂદનમાં અરમાન ધોવાઇ રહ્યા
હતાં !!
—–
જીપ આગળ દોડી રહી હતી. રાત્રીનો સુમાર હતો. રાઠૌરે સાંજે એક અગત્યનો સંદેશો આપ્યો હતો. એભલ વાંગાના સાગરીતો માલિકના ફાર્મ હાઉસ ઉપર દેખાયાં હતાં. એ લોકોનો મકસદ શું હતો ? એનો તાગ મેળવવાનો હતો. ઇન્દ્રજીત ડ્રાયવરને બને એટલી તેજીથી જીપ ભગાવવાની સૂચના આપી રહ્યા હતો અને ડ્રાયવર બને એટલા પ્રેશરથી એÂક્સલેટર દબાવતો હતો. અચાનક જીપ ઉછળીને રોડની સાઇડમાં ધસી ગઇ….. ઇન્દ્રજીત કશું પણ સમજે એ પહેલા એની પીઠ અને માથા ઉપર લાકડીના ચાર ફટકા પડ્યા એની આંખે તમ્મર આવી ગયા સામે કોઇ ચાર ઓળા ઉભા હતાં. એ જ ક્ષણે અનિતા ભર ઉંઘમાંથી ઝબકીને જાગી ગઇ. જાણે કોઇ ભયાનક સપનું જાયું. પરસેવે રેબઝેબ થઈ ગઈ. શું થઇ રહ્યું છે ખબર ન પડી. પણ કાંઇક અજુગતું બની ગયું હોય એવો ભાસ થયો. આમને આમ સવાર પડવા આવ્યું. વહેલી સવારે સ્હેજ ઝોકું આવી ગયું, ને અચાનક એના બાપુએ એને આનંદના અતિરેકથી ઢંઢોળી નાખી એ ઝબકીને જાગી તો મશરૂ હરખાતા હરખાતા કહે ઃ ‘ જા તો
બેટા કોણ આવ્યું છે ? તું જા જરા જા તો ખરી ’
એણે આંખો ચોળી જાયું તો સામે ખાખી વર્દીમાં રાજુ ઊભો હતો.
એનું હસુ હસુ થતું મ્હો ! અને નમણો ચહેરો…
એ રાજુને તાકી જ રહી… (ક્રમશઃ)