એક વહેવારિક કામે સાંજના જ સુરત નીકળી જવાનું બધાએ નક્કી કરી નાખ્યું. કારણ કે ૪૫૦ કિ.મી.ની મુસાફરી કરવાની હતી એટલે મોડી રાતે લગભગ ૨ આસપાસ સુરત પહોંચી જવાશે એવી ધારણાથી અમરેલીથી સાંજે ૫.૩૦ રવાના થઈ ગયા. દિવસના અજવાળે વધુમાં વધુ રસ્તો કપાઈ જાય એવી ગણતરીથી ચાલતા સાંજના ૮ વાગે તો ફેદરા પહોંચી ગયા. હોટેલ ગેલોપ્સ પર નાનકડો હોલ્ટ કરીને ફરી સવારી ઉપડી. ગાડીમાં ઇંધણ અને પેટમાં ખોરાક મળી જાય એટલે ફરી બન્નેમાં સ્ફૂર્તિ વધી જાય. સમયગાળો એવો હતો કે દિવસનો લોકલ ટ્રાફિક ઘરે પહોંચી ગયો હોય અને હજી રાત્રિનો ટ્રાફિક શરૂ થયો નહોતો એટલે સારી સ્પીડ મળતી હતી. વટામણ, તારાપુર, વાસદ વટાવીને બરોડા બાયપાસ ક્રોસ કરીને છેક જગદીશ નમકીનના આઉટલેટ આગળ ૧૧ વાગે ગાડી ઉભી રાખી. સારી એવરેજના ઉમંગમાં ચા-પાણી નાસ્તો કરીને સલામત સવારી ઉપડી સુરત તરફ. અત્યાર સુધી રસ્તામાં ક્યાંય ટ્રાફિક નડ્યો નહોતો એટલે હવે તો આગળ પણ આવું જ રહેશે એમ માનીને જ્યાં ઉતરવાનું હતું તેને પણ કોન્ફિડન્સથી કોલ કરીને કહી દીધું કે એક દોઢ સુધીમાં આરામથી પહોંચી જઈશું. આમ જ થોડીવાર વાતો કરી ત્યાં તો અચાનક ગાડીને બ્રેક લગાવવી પડી, મેપમાં જોયું તો આગળ બે ત્રણ કિલોમીટરનો લગભગ એક કલાકનો ટ્રાફિક હતો. વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. હવે ગાડી તો વરઘોડામાં હાલે એટલી પણ હાલતી નહોતી, માત્ર થોડી થોડી હલતી હતી! સામન્ય રીતે ત્રણ લાઈનમાં ચાલતા વાહનો ટ્રાફિક થાય ત્યારે ચાર લાઈનમાં ખીચોખીચ ગોઠવાઈ જતા હોય છે. ડિવાઈડર સાઇડની પહેલી લાઈનમાં ગાડી ઉભી હતી. ગાડીની આગળ સહેજ જગ્યા દેખાતા બાજુની લાઈનમાં ઊભેલો હેવી ટ્રક અમારી ડાબી સાઈડથી ઓવરટેક કરીને અમારી ગાડીની આગળ થવા ગયો અને ડાબી સાઈડના મીરરને ઢસડતો ગયો. આ જે અડધી મિનિટની પળ હતી તે અમારા માટે લાચારીની પળ હતી. એક બાજુ ડિવાઈડર બીજી બાજુ ઓવરટેક કરતો ગાડીને દબાવતો મસમોટો ટ્રક, આગળ પાછળ પણ અડોઅડ ટ્રક. અમારી ગાડી તો સ્થિર ઊભી હતી પણ એકેય બાજુ દરવાજો ખૂલે એમ નહોતો. ગાડી કેટલી દબાશે કે સાવ ચેપાઈ જશે એ અંદાજ કાઢવાનો સમય પણ ના મળ્યો. માત્ર ઉપરવાળો યાદ આવ્યો અને એક આહ નીકળી ગઈ કે જે કરે તે તારા હાથમાં છે. કેટલું નુકસાન થશે, કોને કેટલું વાગશે એ જોવા કોણ જીવિત રહેશે એવું કશું વિચારીએ એ પહેલા તો કૈંક તૂટવાનો ઘસાવાનો કરડાટા બોલાવતો અવાજ પસાર થઈ ગયો.અને અમારા આશ્ચર્ય વચ્ચે એ ગંભીર અક્સ્માતની પળ પસાર થઈ ગઈ. ત્રણેય એકબીજાની સામે જોઈ માત્ર મનોમન એટલું જ બોલી શક્યા કે બચી ગયા! દરવાજો ખોલ્યો જોયું તો આખો મીરર તૂટીને ભાંગી ગયો હતો, થોડા આગળના પડખામાં લીસોટા પડ્યા હતા બાકી બધું સલામત હતું. ટ્રક આગળ જ ઊભો હતો, અમે પણ ત્યાંના ત્યાં જ હતા. મનમાં બે પ્રકારના ભાવ હતા. સબ સલામતનો સંતોષ હતો અને ટ્રક ડ્રાઈવરની બેદરકારીના લીધે એના પર ખૂબ ગુસ્સો હતો. ચાલુ વરસાદે ટ્રકના ડ્રાઈવર પાસે જઈને ઠપકો દીધો અને સાઈડમાં લઈને નીચે ઉતરવા આદેશ આપ્યો. “સરજી ગલતી મેરી હૈ, મૈ કહી ભાગ નહિ જાઉંગા, આગે ટ્રાફિકસે બહાર નીકલકર મિલતે હૈ”.ટ્રક ડ્રાઈવરનો નમ્ર જવાબ સાંભળીને ગુસ્સો શાંત થયો તેમ છતાં જીવનમાં ઘણીવાર છેતરાયા હોવાથી અત્યારે બનાવટી ગુસ્સો કરીને થોડો રોફ કરીને ડ્રાયવરને ધમકી આપી કે તું ધારે તો પણ ભાગી નહિ શકે, અમે પીછો કરીને પકડી લઈશું. હવે ટ્રાફિક એટલો જામ હતો કે પહેલી લાઇનમાંથી ત્રીજી લાઈનમાં જતાં એક કલાક નીકળી ગઈ. આખરે દોઢેક વાગે પહેલી લાઈનમાં ગાડી આગળ અને ટ્રક પાછળ એ રીતે અડધો કલાક ચાલ્યા બાદ સાઈડમાં ખુલી જગ્યા આવતા ગાડી ઊભી રાખીને ટ્રકને રોકીને ડ્રાયવરને નીચે બોલાવ્યો.સામાન્ય રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવર માથાભારે હોય છે. રોજ રોડ પર ચાલતા નાની મોટી માથાકૂટ કરીને ટેવાઈ ગયા હોય એટલે જલ્દી મચક આપે નહિ.પરંતુ અહી જુદું જ નીકળ્યું. ત્રીસેક વર્ષનો આ યુવાન ડ્રાઈવર, ભોળો ચહેરો, થોડો ગભરાયેલ જોવા મળ્યો.હાથ જોડીને કહેતો હતો, ‘સરજી મેરી હી ગલતી થી.
આપકી ગાડીકા નુકસાન મૈ દે દુંગા લેકિન અભી મેરી જેબમેં સિર્ફ હજાર રૂપિયા હિ હૈ. અભી યહાં રોડ પર કોઈ ગેરેજ ખુલા નહિ હોગા. આપ મેરા નંબર લે લીજીએ મૈ કલ ગૂગલ પે કર દુંગા.’ અમે તેને દિલાસો આપીને કહ્યું કે, ‘મુંજામાં, અમે કંઈ કરીશું નહિ તને.તારા માલિક સાથે વાત કરાવી દે.’ પણ એના માલિકનો ફોન રીસિવ ના થયો એટલે મિરરની કિંમત ઓનલાઇન જોઇને એ પ્રમાણે રૂપિયા ગૂગલ પે કરવા કહ્યું. તો એણે કોઈ બીજા જાણીતા પાસેથી મંગાવીને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. પછી છૂટા પડ્યા. સાઈડ ગ્લાસ વગર ચાલુ વરસાદે ધીમે ધીમે હાંકીને સવારે સાડા ત્રણે સુરત પહોંચ્યા. સવારે ગેરેજ પર જઈને જૂનો સાઈડ ગ્લાસ મળી ગયો એટલે સસ્તામાં પત્યું. પણ મનમાં પેલા ડ્રાઈવરનો ભોળો ચહેરો યાદ આવ્યો. આ બાજુ પત્ની અને દીકરાએ પણ એવું જ સજેશન કર્યું કે વધેલા રૂપિયા એને પરત કરી દો. અને રાત્રે લીધેલા નંબર પર કોલ કરીને એકાઉન્ટ નંબર ટેલી કરીને વધેલી રકમ પરત કરીને આત્મસંતોષ અનુભવ્યો. સામેથી આભાર ભરેલા અંતરના અવાજે એટલું સંભળાયું કે, ‘સરજી આપ ભલે ઇન્સાન હો, આપને પ્રમાણિકતા દિખાઈ. મૈ આપકે વ્યવહાર સે પ્રસન્ન હું. આપકા નંબર સેવ કર લેતા હું. એક બાર આપકો જરૂર મિલને આઉંગા ઔર આપકો ચાય પિલાઉગા. આપ ભી ઇધર સાઉથમેં નીકલે તો મુજે અવશ્ય કોલ કરના.’ એક બાર ફીર મિલને કા વાદા સાથે એક બીજા મિત્રો બની ગયા. સારા વર્તન વ્યવહારથી મુશ્કેલીમાં પણ બધું સારી રીતે મેનેજ થઈ શકે એવો સુખદ અનુભવ થયો અને અડધી રાતે અકસ્માતે બંનેને એક નવી ઓળખાણ થઈ. વ્યક્તિનો વ્યવસાય ગમે તે હોય પણ એની અંદરની સારપ એને મળવા જેવા માણસ બનાવે છે.