અભણ અમથાલાલ હમણાં દેખાણાં નહોતાં. અચાનક અમથાલાલને જોઈને બેરાલાલને નવાઈ લાગી.
“કેમ અમથાલાલ! હમણાં હમણાં દેખાં નોં ‘તા દેતાં? કાંઈ મુસીબતમાં તો…”
“મુસીબતમાં તો હતાં જ ને. તમને નથી ખબર!?”
“ના રે ના. મને કોણ કહે? અને કહે તોય મને કેટલું ‘ક હંભળાય !?? પણ, તમે જ કહો ને શું અગવડમા હતાં?”
“હમણાં જ બાબાનું બારમું ગયું ને .”
“રામ રામ રામ! આ બધું કયારે બન્યું? કેમ બન્યું? શા માટે બન્યું?? અને મને કે કોઈને બારમું વયુ ગ્યું તોય ખબર સુધ્ધા ના પડી!? ભગવાન એમનાં આ…”
બનેવીલાલે બેરાલાલને અટકાવતાં જ કહ્યું.
“હં..હં..હં..અ. બેરાલાલ ! પેલાં કાનમાં મશીન ભરાવો, અને પુરી વાત હાંભળો.”
“ભલા માણસ! આયા ખરખરો કરવાની જરૂર છે. અને તમે હજી વાત હાંભળવાની વાત કરો છો?”
હવે બોસને વચ્ચે પડવું પડ્‌યું.
“બેરાલાલ તમે વાત તો પુરી હાંભળો. પછી તમારે જે કરવું હોય ઈ કરજો.”
અમથાલાલની આંખે વગર કારણે ઝળઝળીયા તગતગી ગયાં.
“બેરાલાલ ! બાબાનું બારમું એટલે.. બારમું ધોરણ!!
તમે હમજો છો ઈ બારમું નઈ. અને આજકાલ બાબો કે બેબી, બારમું ધોરણ હોય એટલે આખાં ઘરની પરીક્ષા. ભલે પરીક્ષા ઈ આપે પણ, નિયમો આખાં ઘરને લાગું પડે.”
“ઓય રે.. ભગવાન! ફુટયાં મારાં કાન હું તો કાંયનુ કાંય હમજી બેઠો.પણ સરવાળે ઘી ના ઠામમાં ઘી ઠલવાઈ ગયું એનો રાજીપો છે. અને હારુ થયું બનેવીલાલ  કે ખરાં ટાઈમે મારો કાન આમળ્યો. નહીંતર હું તો.. પણ, બનેવીલાલ! તમે પે..લાં એક વાક્ય બોલતાં. અને એ વાક્ય તમારું ‘તકિયા કલામ’ ગણાતું. ઈ હવે ભૂલી ગયાં કે શું!??”
હસતાં હસતાં બનેવીલાલે કહ્યું.
“કયું વાક્ય? તમારે ‘ય મારી ધાર કાઢવી લાગે છે.”
“હા..હા.. બસ એ જ. “ધાર કાઢીને.”
વાતાવરણ થોડું હળવું થયું. બેરાલાલ આજે આઈ. પી .એલ .ના મૂડમાં હતાં. એમને તો સટાસટી જ બોલાવવી હતી. એમણે વાતનો દોર ફરી હંભાળયો.
“તેં.. હેં..એ.. અમથાલાલ!! આ બાબાએ બારમાની પરીક્ષા આપી. હવે તમે આગળ કઈ લાયન લેહો.”
“ઈ તો બાબો જ નક્કી કરશે ને !!”
“બાબાને હું ખબર પડે!? ઈ તો છોકરું ગણાય! લાયન તો એનાં વાલી જ નક્કી કરે ને !!”
“ભણવું છે કોને?”
“ઈ તો બાબો જ ભણશે ને !!”
“તો પછી.. લાયન કોને નક્કી કરવાની?”
“હંધાય તો વાલી જ નક્કી કરે છે.”
“એટલે તો ન થાવાનું થાય છે.”
“મને કાંઈ હમજણનો ટપ્પો ના પડ્‌યો. “બેરાલાલને માથું ખંજવાળવુ પડ્‌યું.
વળી બનેવીલાલે હમજણ પાડી.
“જો બેરાલાલ ! તમારે તમારાં છોકરાને ડોક્ટર બનાવવો છે. પણ છોકરાને ડોક્ટર નથી બનવું. એને આઈ. ટી. ક્ષેત્રમાં જાવું છે. તમે પરાણે ડોક્ટરી લાઈનમાં નાંખો તો શું થાય?”
“હા ,એ લ્‌ લા !!ઈ તો કોઈએ કોઈ ‘દિ વિચાર્યું જ નહીં.
પણ, આ તમે શું બોલ્યાં? કોની ટી…? ખેતલા આપાની? કે રજવાડી ની ટી ? થોડું થોડું અંગરેજી તો મનેય ફાવે હોં!! ટી એટલે ચા.‌!!”
“તમે ઊંધુ હમજયા બેરાલાલ. ચા વાળી ટી. નહીં. આઈ. ટી. આઈ. ટી. ક્ષેત્ર. જેમાં નવી દુનિયાનું હંધૂય આવી જાય. થઈ થાવાનું આવે. અને નો થાવાનું ‘ય આવે. હતું એને નહોતું કરી દે અને નથી એને હતું કરી દે. તમારું કમ્પ્યુટર અટકીને ઉભું રહી જાય, એને ફરી વાર બગ હટાવીને શરું કરી દે એવી ટેકનોલોજી એટલે આઈ.ટી.ક્ષેત્ર.”
અભણ અમથાલાલને એ જાણવું હતું કે બાબાને બારમાં પછી કઈ લાયન લેવી?
“બનેવીલાલ તમે ફરતિયાળ માણસ. તમને હંધીય ખબર હોય. તમે જ કહો બાબાને હવે કઈ લાયન લેવી?”
“આજકાલ હંધાય આઈ. ટી., આઈ. ટી.કરે છે. પણ, હમણાં હમણાં સોશિયલ મીડિયા ઉપર એક રસપ્રદ ચર્ચા ચાલે છે. આ ચર્ચા સાક્ષી નામની છોકરીએ શરું કરી છે. એક આઈ.ટી. ફ્રેશર છોકરો એક ‘એન્ટર પ્રેન્યોર ‘છોકરીને જોવાં આવે છે.
શું.. શું.‌!?? આ વળી કઈ ડિગ્રી? કોઈ નવી ડિગ્રી આવી??”
“ના..આ..! ‘એન્ટર પ્રેન્યોર’ એટલે ‘ઉદ્યોગ સાહસિક’
અને હાવ દેશી ભાષામાં કહું તો.., ઘરની નોકરાણી.
એક કમ્પ્યુટરમાં આવેલ બગને સાફ કરે. અને બીજી ઘરનાં બગને..!!”
“હા પણ !! એમાં થયું શું? એ તો કહો.”
“છોકરાએ ‘કામવાળી બાઈ’ હાંભળીને મોઢું મચકોડયું.”
છોકરીએ કહ્યું. “તમારો પગાર કેટલો!?”
છોકરાએ કહ્યું “૩૦૦૦૦/- નો મહિનો.”
“મતલબ વાર્ષિક પેકેજ ૩,૬૦,૦૦૦/- એમ ને..!!?”
હવે છોકરીનાં ભવાં ખેંચાયા. “મારું વાર્ષિક પેકેજ છે. છ લાખ રૂપિયા!! મતલબ મહિના ના થયાં ૫૦૦૦૦/- હજાર. અમારું પ્રોફેશનલ નામ છે. ‘હોમ કિલનર્સ ‘ ” છોકરી વધુમાં બોલી
“હવે નક્કી કરો ડિગ્રીનુ મૂલ્ય વધારે? કે આવડતું??
આઈ.ટી.વાળાને કામ માટે દર દર ભટકવું પડે. અને અમારે કામ માટે સામેથી ફોન આવે.”
છોકરો નીચી મુંડી કરી ગયો.
“હવે તમે જ કહો..! છોકરાએ શું કરવું જોઈએ !!??”