યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ૧ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવાનો છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે હવે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ભક્તોની સેવા માટે આગળ આવી છે. લાખો પદયાત્રિકો પગપાળા યાત્રા કરીને જતા હોય છે. ત્યારે પદયાત્રિકોની સુવિધા માટે પાલનપુર-અંબાજી હાઈવે, દાંતા- મહેસાણા હાઈવે તથા ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પી.એન માળી ફાઉન્ડેશન પણ છેલ્લા ૮ વર્ષોથી ભક્તોની સેવા માટે કેમ્પનું આયોજન કરે છે.આ સેવા કેમ્પમાં યાત્રિકો માટે રહેવા-જમવાની સુવિધા, તબીબી સારવાર તથા આરામ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી સિઝનને ધ્યાને રાખીને વોટરપ્રુફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે ભક્તોને કોઈ અસુવિધા ન ઉભી થાય. ન માત્ર ભક્તો પરંતુ તંત્રના અધિકારીઓ સહિત કર્મચારીઓને પણ કોઈ અસુવિધા ન થાય તે માટે સેવા કેમ્પના સંચાલકો દ્વારા તમામ સુવિધા તૈયાર કરવામાં આવી છે.