પ્રસિદ્ધ સર્જક રવજી ગાબાણી અને તેમના પરિવાર દ્વારા હયાત માત-પિતાની સ્નેહસ્મૃતિમાં દર બે વર્ષે અપાતો અને ગુજરાતી બાળસાહિત્યના ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સાથે સરખાવાતો ‘અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૫ અર્પણ સમારોહ’ પ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે ભવ્યતાથી સંપન્ન થયો હતો. બાળસાહિત્યનો રાજ્યનો સૌથી મોટો પુરસ્કાર ગણાતા આ ઉત્સવમાં કુલ ૩૩ જેટલા મહાનુભાવોને પ્રતિષ્ઠિત સન્માનો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાયદો, ન્યાયતંત્ર, ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પ્રસિદ્ધ સાહિત્યકાર અશોકપુરી ગૌસ્વામી, લોકસાહિત્યકાર સુખદેવ ધામેલિયા સહિત અનેક સાહિત્યકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરબધામના મહંત કરસનદાસ બાપુએ કાર્યક્રમને બિરદાવીને આશીર્વાદ આપ્યા હતા. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ યોગ્ય વ્યક્તિને એવોર્ડ મળતો જોઈને ખૂબ ખુશી વ્યક્ત કરી આ સફળ અને સાહિત્યના અનુપમ કાર્યક્રમને બિરદાવ્યો હતો, જ્યારે અશોકપુરી ગોસ્વામીએ આ કાર્યક્રમને ‘બાળસાહિત્યના ઓસ્કાર’ તરીકે નવાજીને આયોજકોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષથી બાળસાહિત્ય ક્ષેત્રે ‘અંજુ-નરશી બાળવીરતા પુરસ્કાર’ આપવાના ઉપક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ વર્ષનો ‘અંજુ-નરશી લાઇફ ટાઇમ અચિવમેંન્ટ એવોર્ડ’ રૂપિયા એકવીસ હજારની ધનરાશિ સાથે નટવર પટેલને બાળસાહિત્યની સુદીર્ઘ સેવાઓ માટે અર્પણ કરાયો હતો. આ ઉપરાંત, ટી.આર.પી. અગ્નિકાંડમાં અદમ્ય સાહસ અને સમજદારી દાખવી ૧૩થી વધુ લોકોને બચાવવા બદલ દક્ષ કુંજડિયાને ‘અંજુ નરશી બાળવીરતા પુરસ્કાર’ અને બાળ ઉંમરે બે હજાર જેટલાં બાળગીતો ગાવા માટે શાબ્દિ દોશીને ‘અંજુ નરશી બાળ પ્રતિભા સન્માન’ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ’ તથા ‘બાલવિચાર પરિવાર’ અને ‘અંજુ-નરશી પારિતોષિક કમિટી’ દ્વારા કરવામાં આવ્યું હતું.