કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચંદીયા ગામે રુંવાડા ઉભા કરી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. એક પ્રેમીએ પોતાની જ ૧૮ વર્ષીય પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા માટે મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. આ મામલે ભુજ ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે હત્યારા પ્રેમી અને તેના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનાની મળતી વિગત અનુસાર, ચંદીયા ગામની ૧૮ વર્ષીય યુવતી રાધા સથવારાને તેના જ પ્રેમી રાજેશ સાથે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. આ તકરારમાં પ્રેમી રાજેશે પોતાના મિત્ર રાહુલની મદદથી રાધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાની બીકે બંને આરોપીઓએ રાધાના મૃતદેહને ગામ નજીક આવેલા એક ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો.
યુવતી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન કૂવામાં મૃતદેહ હોવાની શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જાઈને ભુજ ફાયર વિભાગની ટીમને પાચવવામાં આવી હતી, જેમણે ભારે જહેમત બાદ રાધાના મૃતદેહને બહાર કાઢી હતી. હાલમાં પોલીસે પ્રેમી રાજેશ અને તેના મિત્ર રાહુલ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી ચંદીયા ગામમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે.




































