ગેરકાયદેસર ખનન મામલે સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગે અધધ રૂ.૯૯.૬૮ કરોડનો દંડ વસુલ કરવા નોટીસ ફટકારતા ભૂમાફિયાઓમાં ફફળાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપનું વિશાળ પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે, આવી બાતમી મળતા જ ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસની સંયુક્ત ટીમે ગત ૨ ડિસેમ્બરના રોજ દરોડો પાડ્યો હતો. જે દરોડામાં અત્યાર સુધીના સૌથી મોટા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થતા આ કાર્યવાહી થઈ રહી છે, ત્યારે ભૂમાફિયાઓમાં ફફળાટ ફેલાયો છે.વિગતવાર વાત કરીએ તો, ગત ૨ ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગ અને સાયલા પોલીસની સંયુક્ત ટીમે સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા બ્લેક ટ્રેપના ખનન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે ૪ એક્સ્કેવેટર મશીન, ૧૪ ડમ્પર સહિત કુલ રૂ. ૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળનું માપણી કરતાં ખાણ વિભાગને ચોંકાવનારા આંકડા મળ્યા હતા કે અહીં અંદાજે ૨૫ લાખ મેટ્રિક ટનથી પણ વધુ બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે.આ ગંભીર ગુનાની તપાસ બાદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન કરનારા, વાહન માલિકો તેમજ સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓને નોટિસ ફટકારી છે. આ તમામ સામે ગેરકાયદેસર ખનન, ખનીજનું વહન અને પર્યાવરણને થયેલા નુકસાનના વળતર તરીકે કુલ ૯૯.૬૮ કરોડનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, આ રકમ સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ગણાય છે. આટલી મોટી રકમની વસૂલાતની નોટિસ મળતાં જ ભૂમાફિયા અને ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ આ મામલે ખાણ વિભાગે તમામ ૧૨ આરોપીઓને આગામી ૨૪ ડિસેમ્બરે જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. સુનાવણી બાદ દંડની રકમમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ હાલ આ રકમ વસૂલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તંત્રની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે કડક પગલાં લેવાનો સરકારી અમલદારોનો ઇરાદો સ્પષ્ટ થયો છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ પર અંકુશ રહે તેવી શક્યતા વધી ગઈ છે.