ઇરાકી શહેર મોસુલમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ મોસુલમાં ૮૫૦ વર્ષ જૂની અલ-નુરી મસ્જીદનું પુનર્નિર્માણ પછી ઉદ્ઘાટન કર્યું. આ સાથે, તેનો ઝૂકેલો મિનારા, જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, તેને પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે આ મસ્જીદ ૨૦૧૭ માં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં નાશ પામી હતી. ૮ વર્ષ પછી, યુનેસ્કોની મદદથી પરંપરાગત પદ્ધતિઓ અને બાકીના કાટમાળમાંથી સામગ્રીનો ઉપયોગ કરીને તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુનર્નિર્માણ માટે ઇં૧૧૫ મિલિયનની રકમ એકત્ર કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત આરબ અમીરાત અને યુરોપિયન યુનિયને મોટો ફાળો આપ્યો હતો.
અલ-નૂરી મસ્જીદ અને તેના ઝૂકેલા મિનારાને મોસુલના જૂના શહેરનું હૃદય માનવામાં આવે છે. આ મસ્જીદ ૧૨મી સદીના અંતમાં બનાવવામાં આવી હતી અને તેનું નામ મોસુલ અને અલેપ્પોના શાસક નૂર અલ-દીન મહમૂદ ઝાંગીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે તેમના મૃત્યુના બે વર્ષ પહેલાં મસ્જીદ બનાવવાનો આદેશ આપ્યો હતો. મસ્જીદનો મિનારા, જેને સ્થાનિક લોકો પ્રેમથી “હબ્બા” (કુંડા) કહે છે, તે તેની અનોખી ડિઝાઇન માટે પ્રખ્યાત હતો. ૨૦૧૪માં, ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ બકર અલ-બગદાદીએ અહીંથી પોતાની કહેવાતી “ખિલાફત” ની જાહેરાત કરી હતી. આ મસ્જીદ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઇરાકની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનો પણ એક ભાગ છે.
વડાપ્રધાન અલ-સુદાનીએ ઉદ્ઘાટન સમયે કહ્યું, “આ મસ્જીદનું પુનર્નિર્માણ ઇરાકીઓની બહાદુરી અને તેમની ભૂમિનું રક્ષણ કરવાની તેમની હિંમતનો પુરાવો છે.” આ એક સીમાચિહ્નરૂપ છે, જે હંમેશા દુશ્મનોને આપણી શક્તિ અને સત્યની યાદ અપાવશે. અમે સંસ્કૃતિ અને ઇરાકી પ્રાચીન વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ. આ આપણા દેશનો દુનિયા તરફનો દરવાજા છે, જે યુવાનો માટે નવા રસ્તા ખોલશે.’ આ પ્રોજેક્ટ પડોશી સીરિયા જેવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સાંસ્કૃતિક સ્થળોના પુનઃસ્થાપન માટે એક ઉદાહરણ બની શકે છે, જ્યાં ૧૪ વર્ષના ગૃહયુદ્ધ પછી હવે પુનર્નિર્માણ શરૂ થઈ રહ્યું છે.
ઇસ્લામિક સ્ટેટે તેના શિખર પર ઇરાક અને સીરિયાના મોટા ભાગો પર કબજા કર્યો હતો.અને યઝીદી સમુદાયની મહિલાઓ પર બળાત્કાર, અપહરણ અને ત્રાસ જેવા જઘન્ય ગુનાઓ કર્યા હતા. તેઓએ ખ્રિસ્તી સમુદાયને પણ નિશાન બનાવ્યો હતો, જેમાં તેમની મિલકત છીનવી લેવી, બળજબરીથી ધર્માંતરણ અને સાંસ્કૃતિક સ્થળોનો વિનાશનો સમાવેશ થાય છે. ૨૦૦૩ માં, મોસુલમાં ૫૦,૦૦૦ ખ્રિસ્તીઓ હતા, પરંતુ હવે ફક્ત ૨૦ પરિવારો જ બાકી છે. આ પ્રોજેક્ટમાં શહેરની ઘટતી ખ્રિસ્તી વસ્તીના વારસાને જાળવવાના પ્રયાસમાં, યુદ્ધમાં નુકસાન પામેલા મસ્જીદ તેમજ ચર્ચોને પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.








































