‘૮૩’નું ટ્રેલર જોયું ?
રણવીરસિંહને કપિલદેવના રોલમાં રજૂ કરતી ‘૮૩’ ભારતના વર્લ્ડકપ વિજયની મહાગાથા છે. ૩૦ નવેમ્બરે તેનું ઓફિશિયલ ટ્રેલર રજૂ થયું પછી બે દિવસમાં જ પાંચ કરોડ કરતાં વધારે લોકો એ ટ્રેલર જોઈ ચૂક્યા હતા. આ લેખ વાંચતા હશો ત્યારે આ આંકડો કદાચ ૧૦ કરોડને પાર કરી ગયો હશે ને તેના કરતાં વધારે પણ હોઈ શકે.
ટ્રેલર જોયા પછી લાગે કે, કબીર ખાન દ્વારા નિર્દેશિત ‘૮૩’ ટીપિકલ બોલીવુડ મૂવી છે. આપણા ફિલ્મ સર્જકો બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને મસાલા ફિલ્મ બનાવવામાં માને છે તેથી આપણી મોટા ભાગની બોલીવુડ મૂવીમાં ભાષણબાજી અને ઉપદેશનો જોરદાર ડોઝ હોય છે, પરાણે ઘૂસાડેલા લાગણીવેડા, દેશભક્તિ, હ્યુમર વગેરેનો મારો હોય છે. ‘૮૩’નું ટ્રેલર પણ ટીપિકલ બોલીવુડ મસાલા મૂવીના મસાલાથી ભરપૂર છે.આ કારણે આ ફિલ્મ કપિલદેવ અને તેમની ટીમે મેળવેલી મહાન સિધ્ધીને ન્યાય આપી શકશે કે કેમ તેમાં શંકા છે પણ ફિલ્મ જોયા પહેલા તેના વિશે કોઈપણ ધારણા બાંધવી પૂર્વગ્રહ કહેવાય. ફિલ્મ જોયા પહેલાં તેના વિશે કોઈ પૂર્વગ્રહ બાંધવો યોગ્ય નથી તેથી ફિલ્મ કેવી હશે તેની વાત નથી કરતા પણ કપિલદેવની ટીમે મેળવેલી સિધ્ધિની યાદોને તાજી કરી લઈએ. કપિલદેવની ટીમે ‘૮૩’નો વર્લ્ડકપ જીતીને આ દેશમાં ક્રિકેટનો ઈતિહાસ બદલી નાંખ્યો. માત્ર એટલું જ નહીં પણ આ દેશનાં કરોડો લોકોના મનમાં દેશપ્રેમની પ્રબળ ભાવના પેદા કરી હતી.
આ ઈતિહાસસર્જક ઘટનાની સ્મૃતિઓને તાજી કરી લઈએ.
નિઃશંકપણે ૧૯૮૩નો વર્લ્ડકપ વિજય ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી અને સૌથી યાદગાર જીત છે.કપિલદેવની ટીમે જોરદાર ઝનૂન અને માની ના શકાય એવી માનસિક તાકાત બતાવીને આ જીત મેળવી હતી. અશક્યને શક્ય બનાવીને કપિલની ટીમે ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩નો વર્લ્ડકપ રમવા ઈંગ્લેન્ડ ગઈ ત્યારે ભારત વર્લ્ડકપ જીતશે એવી કોઈને કલ્પના પણ નહોતી. ભારતની એ વખતે ક્રિકેટ વિશ્વમાં કોઈ ગણતરી જ નહોતી. વન ડે મેચોમાં તો આપણે સૌથી તળિયે ગણાતા હતા.
ઈંગ્લેન્ડમાં રમાયેલો ૧૯૮૩નો વર્લ્ડકપ ત્રીજો વર્લ્ડકપ હતો. ૧૯૭૫ અને ૧૯૭૯માં રમાયેલા બે વર્લ્ડકપમાં ભારત ૬ મેચમાંથી ૫ હારેલું.શ્રીલંકા એ વખતે ટેસ્ટ ક્રિકેટ નહોતું રમતું છતાં આપણને હરાવી ગયેલું. કપિલદેવની ટીમમાં સુનિલ ગાવસ્કરને બાદ કરતાં કોઈ મોટું નામ નહોતું. ગાવસ્કર પણ ટેસ્ટ ક્રિકેટમાં મહાન મનાતા પણ વન ડે ક્રિકેટમાં ગાવસ્કરની કોઈ ગણતરી નહોતી. ઉલટાનું ગાવસ્કરની ધીમી બેટિંગના કારણે વન ડેની ટીમમાંથી ગાવસ્કરને કાઢી મૂકવા જોઈએ એવું ક્રિકેટ ચાહકો માનતા.
કપિલદેવની ટીમમાં કપિલ અને ગાવસ્કરને બાદ કરતાં કોઈ એવા ખેલાડી જ નહોતા કે જેમનું ટીમમાં કાયમી સ્થાન હોય. એક સમયે ભારત પાસે ભગવત ચંદ્રશેખર, એરોપલ્લી પ્રસન્ના, બિશનસિંહ બેદી, વેંકટરાઘવન વગેરે વિશ્વ કક્ષાના સ્પિનરો હતા. કપિલની ટીમમાં કોઈ એવો સ્પિનર નહોતો. રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ એ બે સ્પિનર હતા કે જેમને કોઈ ગણતરીમાં નહોતું લેતું. ફાસ્ટ બોલિંગમાં એ વખતે ભારતની ગણતરી જ નહોતી. કપિલદેવ શ્રેષ્ઠ સ્વિંગ બોલરોમાં એક હતો પણ તેને સાથ આપવા રોજર બિન્ની, મદનલાલ, બલવિંદર સંધુ, સુનિલ વોલસન જેવા મીડિયમ પેસર હતા. મોહિન્દર અને સંદીપ પાટિલ ઓલરાઉન્ડર ગણાતા પણ બંનેની બેટિંગ કે બોલિંગ એવી કમાલની નહોતી કે વન ડેમાં ચેમ્પિયન ગણાતી ટીમોમાં તેમને સ્થાન અપાવી શકે.કપિલદેવે આ ખેલાડીઓનું સફળ નેતૃત્વ કરીને ઈતિહાસ રચ્યો હતો.કપિલની ટીમની બીજી એક મર્યાદાની પણ વાત કરી લઈએ.અત્યારે ભારતીય ટીમ પાસે હેડ કોચ સિવાય બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગમાં અલગ-અલગ કોચ છે. આ દરેક કોચના આસિસ્ટન્ટ કોચ છે. ટીમના ખેલાડીઓની રમતનું અને હરીફ ટીમના ખેલાડીઓની રમતનું એનાલિસિસ કરવા માટે આખી ટીમ છે. ટીમને એક્સરસાઈઝ કરાવવા સ્ટાફ છે ને મેદાન પર તકલીફ થાય તો દોડી આવીને સારવાર કરવા ફિઝિયોથેરાપિસ્ટ તથા તેના આસિસ્ટ્‌ન્ટ્‌સ છે. ટીમ મેનેજર સહિતનો બીજો પણ ઘણો મોટો સ્ટાફ છે.
કપિલની ટીમ પાસે કોઈ સ્ટાફ નહોતો.હૈદરાબાદના પી.આર. માનસિંહ આ ટીમના મેનેજર હતા. ટીમના કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, એનાલિસ્ટ કે બીજું કંઈ પણ ગણો એ માનસિંહ જ હતા. આ ‘વન મેન આર્મી’ના સપોર્ટ સ્ટાફ સાથે કપિલની ટીમ વર્લ્ડકપ જીતી લાવી હતી. ભારતે ફાઈનલમાં બે વખતની વર્લ્ડકપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવીને ટ્રોફી મેળવી હતી.
ક્લાઈવ લોઈડની રાક્ષસી તાકાત ધરાવતી ટીમ પાસે ગોર્ડન ગ્રીનીજ, ડેસમંડ હેઈન્સ, ક્લાઈવ લોઈડ, ગસ લોગી, વિવિયન રિચાડ્‌ર્સ, જેફ દુજોન જેવા ગમે તેના ગાભા કાઢી નાંખે તેવા બેટ્‌સમેન હતા. જો ગાર્નર, માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબટ્‌ર્સ, માલ્કમ માર્શલ જેવા આગ ઝરતી બોલિંગ નાંખનારા બોલરો હતા ને તેમને હરાવીને ભારત ચેમ્પિયન બનેલું.
૧૯૮૩ની વર્લ્ડકપની ફાઈનલનો વિજય ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી મહાન વિજય છે. તેની વાત કરીશું પણ ફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે મેળવેલા વિજય પણ કમ નહોતા. ભારત ૧૯૮૩ના વર્લ્ડકપમાં સેમીફાઈનલ અને ફાઈનલ સહિત આઠ મેચ રમેલું. ભારતે છ મેચમાં જીત મેળવી હતી પણ ભારત જે પણ મેચો રમ્યું એ બધી મેચો યાદગાર હતી. કોઈ ને કોઈ ક્રિકેટરના કારણે એ મેચ એ પેઢીના ક્રિકેટ ચાહકોને યાદ રહી ગઈ છે.
ભારતના વર્લ્ડકપ વિજયના અભિયાનની શાનદાર શરૂઆત અજેય મનાતી વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતથી થઈ હતી.
ક્લાઈવ લોઈડની વેસ્ટ ઈન્ડિયન ટીમ ૧૯૭૫ અને ૧૯૭૯માં વર્લ્ડકપ જીતી ચૂકી હતી. આ ટીમ સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતીને હેટ્રિક કરશે એવું સૌ માનતાં. સામે ભારતીય ટીમની કોઈ ગણતરી નહોતી તેથી આ મેચમાં ભારતની ભૂંડી હાર થશે એવું સૌએ માની લીધેલું. કપિલદેવની ટીમે આ ધારણાને ખોટી પાડીને વેસ્ટ ઈન્ડિઝને ૩૪ રને હરાવીને સનસનાટી મચાવી દીધેલી. પહેલા બે વર્લ્ડકપમાં એક પણ મેચ નહીં હારનારી લોઈડની ટીમ ભારત જેવી બેબી ટીમ સામે હારી ગઈ તેના કારણે ક્રિકેટ ચાહકોને આઘાત લાગી ગયેલો.

અનુ. પાના નં.૭ sanjogpurti@gmail.com

ફાસ્ટ ટ્રેક
ભારતે પહેલી બેટિંગ કરતાં ૬૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૨ રન કરેલા. ભારત વતી સુનિલ ગાવસ્કરે ૧૯, કૃષ્ણમાચારી શ્રીકાંતે ૧૪, મોહિન્દર અમરનાથે ૨૧ રન કરેલા. ભારતની ૭૬ રનમાં ૩ વિકેટ હતી તેથી ભારત ૧૫૦ રન કરશે કે કેમ તેમાં શંકા હતી ત્યારે યશપાલ શર્માએ મોરચો સંભાળ્યો. સંદીપ પાટિલે ૩૬ રન, બિન્નીએ ૨૭ અને મદનલાલે ૨૧ રન કરીને શર્માને બરાબર સાથે આપ્યો. શર્માએ મર્દાના બેટિંગ કરીને ૧૨૦ બોલમાં ૮૯ રન ફટકારીને જોરદાર બેટિંગ કરેલી. રોજર બિન્ની અને રવિ શાસ્ત્રીએ ૩-૩ વિકેટ લઈને જોરદાર બોલિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝનું ૨૨૮ રનમાં પડીકું થઈ ગયું હતું.
આ જીત સાથે ભારતે ઈતિહાસ રચી દીધેલો.

વર્લ્ડકપની બીજી મેચમાં ઝિમ્બાબ્વે ૧૫૫ રનમાં સંકેલાયેલું. મદનલાલે ૩, બિન્નીએ ૨ વિકેટ જ્યારે કપિલદેવ, બલવિંદર સંધુ અને રવિ શાસ્ત્રીએ એક-એક વિકેટ લીધેલી. ગાવસ્કર ૪ રને અને શ્રીકાન્ત ૨૦ રને ગયા પછી મોહિન્દર અમરનાથે ૪૪ અને સંદીપ પાટિલે ૫૦ રન કરીને જીતનો પાયો નાંખેલો. રવિ શાસ્ત્રીએ ૧૭ રન કરેલા. યશપાલ શર્માએ ૧૯ બોલમાં ૧૮ રને અણનમ રહીને જીતની ઔપચારિકતા પૂરી કરેલી.
ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે આપણે હારેલા.
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવર ચેપલના ૧૧૦, કીમ હ્યુજીસના ૫૨ અને ગ્રેહામ યલપના ૬૬ રનની મદદથી ૬૦ ઓવરમાં ૯ વિકેટે ૩૨૦ રન ખડકેલા. ભારતની બેટિંગ સાવ નિષ્ફળ રહી હતી. કપિલદેવે ૪૦, શ્રીકાન્તે ૩૯ અને મદનલાલે ૨૭ રન કરીને થોડી ઝીંક ઝીલેલી પણ બીજા કોઈ ચાલ્યા નહોતા. આપણે ૧૫૮ રનમાં સમેટાતાં ૧૬૨ રને કારમી હાર થઈ હતી.
બીજા રાઉન્ડની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે આપણને ૬૬ રને હરાવીને હારનો બદલો લીધો હતો. વિવિયન રિચાડ્‌ર્સના ૧૧૯, ડેસમંડ હેઈન્સના ૩૮ અને ક્લાઈવ લોઈડના ૪૧ રનની મદદથી ૯ વિકેટે ૨૮૨ રન ખડકેલા. ભારત વતી મોહિન્દર અમરનાથે ૮૦ રન કરેલા જ્યારે દિલીપ વેંગ્સરકર ૩૨ રને રીટાયર્ડ હર્ટ થયેલા. કપિલે ૩૬ રન કરેલા પણ બીજા કોઈ ચાલ્યા નહોતા.
ભારત ચાર મેચોમાં બે જીત અને બે હાર સાથે સેમીફાઈનલમાં પહોંચશે એવી કોઈને આશા નહોતી પણ કપિલદેવની ટીમે એ પછી જે કર્યું તેને ચમત્કાર કહેવાય. ભારતની પછીની મેચ ઝિમ્બાબ્વે સામે હતી. પીટર રોસન અને કેવિન કરનની કાતિલ બોલિંગ સામે ભારતની ૧૭ રનમાં પાંચ વિકેટ પડ્‌યા પછી કપિલદેવે માત્ર ૧૩૮ બોલમાં ૧૬ ચોગ્ગા ને ૬ છગ્ગા વડે ૧૭૫ રન ઝૂડી નાંખેલા. કપિલની આ સ્ફોટક બેટિંગે સૌને સ્તબ્ધ કરી નાંખેલા. કપિલને બિન્ની, મદનલાલ અને સૈયદ કિરમાણીએ સાથ આપતાં ભારતે ૮ વિકેટે ૨૬૬ રન કરેલા. ઝિમ્બાબ્વેને ૨૩૫ રનમાં સમેટીને ભારત આ મેચ જીતી ગયેલું.
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ ભારત માટે આર યા પારનો મુકાબલો હતો. ભારત જીતે તો સેમીફાઈનલમાં જાય ને હારે તો ઘરે જાય. ભારત ૨૪૭ રનમાં ઓલઆઉટ થયું તેમાં યશપાલ શર્માએ ૪૦ રનનો હાઈએસ્ટ સ્કોર કરેલો. ઓસ્ટ્રેલિયા માટે આ સ્કોર મોટો નહોતો પણ રોજર બિન્નીએ ૪, મદનલાલે ૪ અને બલવિંદર સંધુએ ૨ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ૧૨૯ રનમાં સમેટીને ભારતને વટભેર સેમીફાઈનલમાં પ્રવેશ કરાવેલો. સેમીફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે હતી.
કપિલે ૩, બિન્નીએ ૨ અને મોહિન્દરે ૨ વિકેટ લઈને ચુસ્ત બોલિંગ નાખતાં ઈંગ્લેન્ડ ૨૧૩ રન જ કરી શક્યું. ઈંગ્લેન્ડ વતી ગ્રીમ ફાઉલરે ૩૩ અને ક્રિસ તાવરેએ ૩૨ રન કરેલા. ભારત વતી ગાવસ્કરે ૨૫, શ્રીકાન્તે ૧૯, મોહિન્દરે ૪૬, સંદીપ પાટિલે અણનમ ૫૧ અને યશપાલ શર્માએ ૬૧ રન કરેલા. ભારત સરળતાથી છ વિકેટે જીતીને ફાઈનલમાં પહોંચી ગયું હતું.
બીજી સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને હરાવતાં ભારત વર્સીસ વેસ્ટ ઈન્ડિઝની ટક્કર હતી.
ભારત માટે આ ફાઈનલ અવિસ્મરણીય બની ગઈ.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિયન ફાસ્ટ બોલરો સામે માત્ર ૧૮૩ રનમાં ખખડી ગયેલી. શ્રીકાન્તે હાઈએસ્ટ ૩૮ રન કરેલા જ્યારે સંદીપ પાટિલે ૨૭, મોહિન્દરે ૨૬ રન કરેલા. મદનલાલે ૧૭, કિરમાણીએ ૧૪ ને સંધુએ ૧૧ રન કરતાં ભારતના ૧૮૩ રન થયેલા, બાકી ૧૫૦ રનનો સ્કોર પણ થાય એવો નહોતો.વેસ્ટ ઈન્ડિઝ માટે આ સ્કોર ચેઝ કરવો સરળ હતો. સંધુએ ગોર્ડન ગ્રીનીજને ઈન સ્વિંગર બ્યુટીથી ક્લીન બોલ્ડ કર્યો પછી હેઈન્સ અને રિચાડ્‌ર્સે સ્કોર ૫૦ પર પહોંચાડ્‌યો ત્યારે વિન્ડીઝની જીત પાકી લાગતી હતી. મદનલાલે પહેલાં હેઈન્સ ને પછી રિચાડ્‌ર્સને આઉટ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. કપિલદેવે ૩૦ મીટર ઉંધા દોડીને કરેલો રિચાડ્‌ર્સનો કેચ ક્રિકેટ ઈતિહાસનો સૌથી યાદગાર કેચ છે. રિચાડ્‌ર્સે ૨૮ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૩૩ રન ઠોકી દીધેલા પણ એ આઉટ થયો એ ટર્નિંગ પોઈન્ટ હતો. મદનલાલ પછી બિન્ની ત્રાટક્યો ને લોઈડને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ વધાર્યું. જેફ ડુજોન અને માલ્કમ માર્શલે વેસ્ટ ઈન્ડિઝને સ્થિરતા આપી ત્યાં મોહિન્દરનો ચરખો ચાલ્યો. વેસ્ટ ઈન્ડિઝનું પતન શરૂ થયું ને ૧૪૦ રનમાં સમેટાઈ ગયું. મદનલાલ ૩ અને મોહિન્દર ૩ વિકેટ લઈને વિન્ડીઝના પતનના શિલ્પી બન્યા.
ભારત જીત્યું એ સાથે જ  સ્ટમ્પ લઈને દોડતા મોહિન્દર અમરનાથનું દૃશ્ય એ પેઢીના ચાહકોના માનસપટ પર અંકાઈ ગયું છે. કપિલદેવની ટીમે લોડ્‌ર્સની લોબીમાં વર્લ્ડકપ ઉંચક્યો ને શેમ્પેઈનની છોળો ઉડાડી એ દૃશ્ય કદી નહીં ભૂલાય.
આશા રાખીએ કે, ‘૮૩’ હાલની પેઢીના દિલદિમાગ પર આવી જ છાપ છોડે.