દામનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયા બાદ છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો હતો. ભાવનગરના ગારિયાધાર તાલુકાના મોરબા ગામના અશોકભાઈ ધનજીભાઈ કંટારીયા (ઉ.વ.૩૭)એ દામનગરમાંથી સેન્ટીંગ કામની લોખંડની ૯૦ પ્લેટો ભાડે લઈ જઈ ભાડાના રૂપિયા આપ્યા નહોતા. આ ઉપરાંત નિર્ધારીત સમય થવા છતાં પ્લેટો પરત નહીં કરીને વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડ્યો હતો. અમરેલી એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એલ. રાઠોડ, પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એન. જી. સાપરા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઢાપા, સતારશા શેખ, ગોવિંદભાઈ નગવાડીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.






































