રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૬ ડિસેમ્બરે ભારત પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસના આ પ્રવાસ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે. આ દરમિયાન
તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત ૨ ૨ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારત અને રશિયાના વિદેશ અને રક્ષા મંત્રીનો સાથે બંને દેશોના ઉચ્ચ અધિકારી પણ હાજર રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ગુરુવારે પુતિનના ભારત પ્રવાસની પુષ્ટિ કરી હતી.
ભારત અને રશિયાની વચ્ચે આ ૨૧મી સમિટ હશે. આ દરમિયાન ક્ષેત્રિય મુદ્દાઓની સાથે પરસ્પર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના બાબતે સહયોગ પર પણ વાતચીત થશે. આ એટલા માટે પણ મહત્વનુ છે કે હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. ગુરુવારે ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટથી ૨ લોકો સંક્રમિત મળી આવ્યા હતા. આ સમિટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
બાગચીના જણાવ્યા મુજબ, ૬ ડિસેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે રશિયાના ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઇ સોયગ્યુ મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશોની વચ્ચે મિલીટરી-ટેકનિકલ કોઓપરેશન મુદ્દે વાતચીત થશે. ત્યારબાદ વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ સાથે વાતચીત કરશે. બાગચીએ વધુમાં કહ્યું કે આ સમિટ દરમિયાન બંને દેશોના પરસ્પર સંબંધો મજબૂત કરવા મુદ્દે પણ વાતચીત થશે.
પહેલા બંને દેશોના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી મળશે. ત્યારબાદ ભારત અને રશિયાની વચ્ચે સત્તાવાર ટીતે ૨ ૨ સમિટ યોજાશે. આ સમિટમાં પણ બંને દેશોના રક્ષા અને વિદેશ મંત્રી સામેલ થશે. ત્યારબાદ ડેલિગેશન સ્તરની વાતચીત થશે. આ વાતચીતમાં પરસ્પર સંબંધો ઉપરાંત ક્ષેત્રિય મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ બાબતે પણ વિચાર કરવામાં આવશે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે વાતચીત થશે.
બાગચીના જણાવ્યા મુજબ, મોદી અને પુતિન વચ્ચે વાતચીત થયા બાદ બંને દેશ સંયુક્ત નિવેદન પણ જાહેર કરી શકે છે. તેમાં વાતચીતમાં જાડાયેલા મહત્વના મુદ્દાઓ બાબતની જાણકારી આપી શકે છે. બંને દેશોની વચ્ચે કેટલીક મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમાં ડિફેન્સ, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે. રશિયાના રક્ષા અને વિદેશ મંત્રી પુતિનના એક દિવસ પહેલા ભારત પહોંચી શકે છે.