છેલ્લાં ૫ વર્ષમાં ૬ લાખથી વધુ ભારતીયોએ દેશનું નાગરિકત્વ છોડ્યું. સરકારે  લોકસભામાં આ માહિતી આપી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ ૧,૩૩,૮૩,૭૧૮ ભારતીયો બીજા દેશોમાં રહે છે. વર્ષ ૨૦૧૭માં ૧,૩૩,૦૪૯, ૨૦૧૮માં ૧,૩૪,૫૬૧, ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭, ૨૦૨૦માં ૮૫,૨૪૮ અને ચાલુ વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧,૧૧,૨૮૭ ભારતીય નાગરિકોએ નાગરિકત્વ છોડ્યું.

રાયે એમ પણ જણાવ્યું કે છેલ્લાં ૫ વર્ષમાં ૧૦,૬૪૫ લોકોએ ભારતનું નાગરિકત્વ મેળવવા અરજી કરી, જેમાંથી ૪,૧૭૭ લોકોને નાગરિકત્વ અપાયું. ભારતીય નાગરિકત્વ માટે અરજી કરનારાઓમાં સૌથી વધુ ૭,૭૮૨ પાકિસ્તાનના, ૭૯૫ અફઘાનિસ્તાનના, ૨૨૭ અમેરિકાના અને ૧૮૪ બાંગ્લાદેશના છે. ૨૦૧૬માં ૧,૧૦૬ લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું જ્યારે ૨૦૧૭માં ૮૧૭, ૨૦૧૮માં ૬૨૮, ૨૦૧૯માં ૯૮૭ અને ૨૦૨૦માં ૬૩૯ લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું. દરમિયાન ગૃહ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નેશનલ રજીસ્ટર ઓફ ઇન્ડિયન સિટિઝન્સ મુદ્દે હાલ કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો નથી.