વિશ્વમાં બગડતી જતી ખેતીની જમીનની ચિંતા કરી વર્ષ ૨૦૦૨International Union of soil Science (IUSS)દ્વારા ૫ ડિસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. યુનાઇટેડ નેશન્સ (UN)એસેમ્બલીની ૨૦ ડિસેમ્બર, ૨૦૧૩ ના રોજ મળેલ મિટિંગના ૬૮માં અધિવેશનમાં વર્ષ ૨૦૧૫ ને “International Year of Soil (IYS-2015)”તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેના મુખ્ય હેતુઓમાં વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, ખાદ્યની સુરક્ષા મેળવવા જળવાયું પરિવર્તન અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસ (Sustainable Development)નો સમાવેશ કરવામાં આવ્યો. ૭૫ વર્ષ પહેલા અમેરિકાના વૈજ્ઞાનિક ફેન્કલીન રૂઝવેલ્ટએ એક વાક્ય કહ્યું હતું કે“The nation that destroy its soil destroys itself”જેનો અર્થ જે રાષ્ટ્ર તેની જમીન તંદુરસ્તી જાળવી ના શકે તે દેશ પોતાને વિનાશ તરફ લઈ જાય છે. આ વાકય આજના સંદર્ભમાં ખુબ જ અગત્યનું છે અને સાચું પડી રહ્યું છે એવું જણાય છે.
વધતી જતી વસ્તી અને વધતા જતા શહેરીકરણને કારણે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે. અને એક અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦માં વિશ્વની વસ્તી વધીને ૯૦૦ કરોડ થવાની છે જેને પહોંચી વળવા માટેનો મુખ્ય સ્ત્રોત તંદુરસ્ત / ફળદ્રુપ જમીન કે જે એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન આપી શકે તે જ છે. તંદુરસ્ત જમીનમાં સંતુલિત માત્રામાં કાર્બનિક પદાર્થ અને અન્ય પોષક તત્વો હોવાથી પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે, તેની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. પરિણામે વહી જતા પાણીને રોકી શકાય છે, પાણીનું બાષ્પીભવન પણ ઓછું થાય છે. એક ગણતરી મુજબ જમીનના ઉપરના ૬ ઈંચ પડમાં જો ૧ ટકા કાર્બનિક પદાર્થ (Orhanic Matter)હોય તો જમીન આશરે એક હેકટરે ૨.૫૨ લિટર ભેજ (પાણી) સંગ્રહ કરવાની શકિત ધરાવી શકે છે. અને પાક પાણીની અછત સામે પણ ટક્કર ઝીલી શકે છે. જમીનમાં કાર્બનિક પદાર્થ સંતુલિત માત્રામાં હોવાથી ખેડ ઓછી કરવી પડે છે. જેથી જમીન પરના છોડ અને અન્ય અવશેષો દ્વારા જમીનને આવરણ પણ મળતું હોય છે. તંદુરસ્ત જમીન મેળવવા જમીનમાં કાર્બનિક પદાર્થ વધારવા માટે ત્રણ થી દશ વર્ષ લાગે તો હાલની ખામી ભરેલ અણસમજણપૂર્વકની રસાયણિક ખેતી બંધ કરી નીચે મુજબના પાંચ સૂત્રી મુદ્દાને અનુસરે તો ૫ મી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી સાર્થક થયેલ ગણાશે માટે ખેડૂત મિત્રો, સરકારશ્રીએ હાથ ધરેલ આ અભિયાનને સૌના સહિયારા પ્રયાસો દ્વારા ચરીતાર્થ કરી બતાવીએ એવી સંકલ્પના કરીએ.
(૧) જમીનને આવરણ આપો:જમીન જીવંત છે. તેમાં ઘણા બધા સુક્ષ્મ જીવાણુંઓ સતત જૈવ રસાયણિક પ્રક્રિયાઓ કરી જમીનને જીવંત રાખતા હોય છે. જો જમીનનું તાપમાન ૧૪૦ ડિગ્રી ફેરેનહાઈટ (૬૦૦ સેન્ટીગ્રેડ)થી વધે તો જમીનમાં રહેલા લાભકારી જીવાણુંઓનો નાશ થતો હોય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને દેશના અન્ય ભાગોમાં પણ કપાસ વીણ્યા પછી કપાસની સાંઠી બાળવાની પ્રથા છે. જે જમીનમાં રહેલા લાભકારી સુક્ષ્મ જીવાણુંઓ અને અળસિયા માટે ખુબ જ હાનિકારક છે. જમીનને ગરમ થતી અટકાવવા તેને આવરણ આપવું ખુબ જ જરૂરી છે. આ આવરણ જીવંત પાકોનું હોય તો ખુબ જ સારું. પહેલાના સમયમાં ખેડૂતો હાથથી નિંદામણ કરી ઉપરના ભાગે ખુબ જ હળવી ખેડ કરતા. આ હળવી ખેડ આવરણનું કામ કરતી હતી. તેથી પિયતની જરૂર પણ ઓછી રહેતી અને જમીનનું તાપમાન પણ જાળવી શકાતું હતું. આજના સંદર્ભમાં ખેડૂતો નિંદામણનાશક દવાઓ પર જ સંપૂર્ણ નિર્ભર થઈ ગયા છે. બિન સમજપૂર્વકના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનમાં અળસિયા દેખાતા બંધ થઈ ગયા છે. પાકોના અવશેષોથી જમીનને આવરણ આપવાથી તેમાંથી ઉત્પન્ન થતા કાર્બનિક પદાર્થથી જમીનની ફળદ્રુપતામાં સારો એવો વધારો થાય છે. જે આપણી બગડતી જમીનનો એક મોજુદ પુરાવો છે. જમીન પર આવરણ, ઘાસચારાનો પાક ઉગાડવાથી, આંતરપાક લેવાથી કે પાકને લીધા પછી તેના અવશેષનો ઉપયોગ કરવાથી પણ જમીનની જાળવણી થઈ શકે છે.
(૨) વધુ પડતી ખેડ ન કરવી: ભાગવત ગીતામાં કહ્યું છે “અતિની ગતિ બુરી”કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોય છે. વધુ પડતી ઊંડી ખેડ, આંતરખેડ જમીનમાં રહેલ ઉપયોગી સુક્ષ્મ જીવાણું માટે નુકશાનકારક છે. માટે જમીનની તંદુરસ્તી જાળવવા જરૂર જેટલી જ ખેડ કરવી જોઈએ. ઘણા ખેડૂતો પોતાની જમીનમાંથી માટી ખોદાવતા હોય છે. જમીનમાં માત્ર ઉપરની ૬ થી ૧૫ ઈંચ જમીન જ ખેતીલાયક જમીન હોય છે. નીચેના ભાગની જમીનમાં પોષક તત્વો હોતા નથી. આથી ખેડેલ માટીમાં પોષક તત્વો નહિ હોવાથી ઉત્પાદન પુરતું મળતું નથી અને આવી માટીમાં કાર્બનિક પદાર્થ ઉમેરતા ત્રણ થી દશ
વર્ષ લાગે છે.
(૩) પાક વૈવિધતા વધારવી: જે રીતે માનવ જાતની અલગ અલગ ખોરાકની પસંદગી હોય છે તે જ રીતે જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓની પસંદ પણ અલગ અલગ હોય છે. અમુક સુક્ષ્મ જીવાણુંઓને ખાસ પ્રકારના પાકો / છોડ
પસંદ આવતા હોય છે અને તેની ગતિવિધિ ઝડપી બનતી હોય છે. એટલે મોટા વિસ્તારમાં એક જ પાક નહિ લેતા અલગ અલગ પ્રકારના પાકો લેવા જોઈએ. જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સાથોસાથ જે પાકો વધુ પોષક તત્વોની જરૂરીયાત ધરાવતા હોય તો તે પાક લીધા પછી ત્યાર પછીનો પાક ઓછા પોષક તત્વોની જરૂરીયાતવાળો હોવો જોઈએ. આમ પાકની યોગ્ય ફેરબદલી કરવી ખુબ જ જરૂરી છે. જમીનમાં પાકની જેટલી વિવિધતા વધારવામાં આવશે તેટલી જમીનમાં રહેલા સુક્ષ્મ જીવોની સંખ્યા વધશે અને જમીનની તંદુરસ્તી સુધરશે. સાથોસાથ જમીનને થોડાક સમયે અથવા એકાદ સિઝન માટે જો પડતર રાખીએ તો પણ સ્વૈચ્છાએ ઉગતી વનસ્પતિ જમીનના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થશે.
(૪) જમીનમાં જીવંત મૂળતંતુઓની ઉપલબ્ધતા: જમીનની તંદુરસ્તી સાચવવાનો આ એક અતિ મહત્વનો મુદ્દો છે. જમીનમાં આખું વર્ષ એવા પાકો લેવા જોઈએ જેના મૂળતંતુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ પાકો શેઢાપાળા ઉપર લઈ શકો અથવા અંતર પાક કે મિશ્ર પાક તરીકે લઈ શકો. આમ કરવાથી જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓને ખોરાક નિયમિત પણે મળી રહે છે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. સૂરણ જેવા પાકો જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ ઉપયોગી નીવડે છે. એટલે મુખ્ય પાકોની સાથે સાથે એવા પાક લેવા જોઈએ કે જેના મૂળતંતુઓ પાકની
કાપણી પછી જમીનમાં રહી જતા હોય અને ઝડપથી તેનું સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા વિઘટન થઈ જતું હોય જે જમીનના સ્વાસ્થ્યમાં વધારો કરશે. (ક્રમશઃ)