વિક્રમ સંવત ર૦૮ર ના પ્રારંભે આજે લાભ પાંચમ પછીના દિવસે મળી રહ્યા છીએ ત્યારે નૂતન વર્ષ આપ સહુ ખેડૂત મિત્રો અને વાંચક વર્ગને ફળદાયી, યશસ્વી અને આરોગ્યમય નિવડે તેવી શુભેચ્છાઓ.
આજે સૌરાષ્ટ્ર અને રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાતવરણમાં ફેરાફારો જોવા મળી રહ્યા છે. અને વરસાદ ચાલુ છે. જગતનો તાત ખેડૂત ચિંતામાં છે. કપાસની વિણી બગડી જવા પામી છે. તો મગફળીના પાથરા પલળી ગયા છે. ખેતરમાં મગફળી ઉભી છે. તો ઉગવા માડી છે. જયારે પશુઓ માટે મગફળીનો ચારો પણ વરસાદથી બગડી જવા પામ્યો છે. આ બધુ સહન કરી શકે માત્ર ખેડૂત…ખેડૂત અને ભાગીયુ રાખતા ખેતમજૂરો બાકી આવી સહન કરવાની તાકાત કોઈનામાં નથી. એટલે તો જગતના તાતના પછેડીના બે છેડા ભેગા થતા નથી.
અત્યારે ઘડી બે ઘડી વિચારો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિનિમમ સર્પોટ પ્રાઈઝ એટલે કે ટેકાના ભાવે મગફળીની અને કપાસની ખરીદી કરવામાં ન આવતી હોત તો શું પરિસ્થીતિ થાય. કેન્દ્ર સરકાર વધુ ઉત્પાદન આપતા સુધારેલા બિયારણો આપી રહી છે. જેના પરિણામે મહેનતકશ ખેડૂતો સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે.
આજે ખેતી સામે પડકારોની વાત કરવામાં આવે તો ૪-એમ છે. જેમાં પ્રથમ એમ એટલે મોન્સુન – ગ્લોબલ વોર્મિંગના કારણે આજે શિયાળા અને ઉનાળામાં કમોસમી વરસાદ પડે છે. જેના હિસાબે ખેતી પાકોને વ્યાપક નુકસાન થાય છે. આથી ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને સમજીને વાવેતર પધ્ધતિ અને લણણીની પ્રક્રિયામાં ફેરફાર કરવા પડશે. બીજા એમ એટલે મેનપાવર – આજે ખેડૂતોને જાતે ખેતી કરવી નથી ખેતી ખેતમજૂરોને આધીન બની ગઈ છે. આજે ૩૦૦ રૂપિયામાં મજૂર આવે તો તેનું ગુજરાન ચાલતું નથી. આથી ખેતમજૂરો ખેતીમાં મજૂરી છોડીને શહેરોના કારખાનામાં રોજીરોટી માટે સ્થળાંતર કરી રહ્યા છે. એટલે ખેતીમાં મજૂરોની અછત સતત વધી રહી છે. જે સમસ્યા છે. ત્રીજા એમ એટલે માર્કેટ – ખેત ઉપ્તાદનના ભાવ કયારેય ખેડૂતો નક્કી કરી શકતા નથી. ખેડૂત એક માત્ર એવો ઉત્પાદક છે જેના ઉત્પાદનના ભાવ ખરીદનાર નક્કી કરે છે. માર્કેટીંગયાર્ડમાં ખેત જણસની હરાજી ૧-ર-૩ કરીને વેપારી ચાલતી પકડે, ખેત ઉત્પાદનના પડતર ભાવ કયારેય મળતા નથી. આ સૌથી મોટી સમસ્યા છે. ચોથો એમ મની – ખેડૂતો કયારેય પૈસાદાર કે અમીર બન્યા નથી. બે વર્ષ સારા હોય તો બાકી દુકાળ હોય સારા નફાથી તેના ખેત ઉત્પાદનનું વેચાણ થાય અને તેના પરિવારના સ્વપ્નો સાકાર થાય એવું ઓછુ બને છે.
આ સમસ્યાના સમાધાન રૂપ સૌની યોજનાના પાણી હવે ડેમો, ચેકડેમો, તળાવો સુધી પહોંચતા થયા છે. તેનો કરકસર સાથે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ થાય તો સારા પરિણામો મળી શકે તેમ છે.
દેશના સાંસ્કૃતિક વારસા અને વોકલ ફોર લોકલને મહત્વ આપીને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. ત્યારે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈને ખેડૂતોએ ૪- પી ને મહત્વ આપવું પડશે.
પ્રથમ પી પ્રોડકશન – ઓછા ખર્ચે વધુ અને સારૂ ઉત્પાદન મેળવવા પ્રાકૃતિક ખેતી અપનાવી વૈજ્ઞાનિક સમજ સાથે ખેતી કરવી પડશે. બીજા પી એટલે પ્રોસેસીંગ – ખેડૂતોએ પોતાની વેલ્યુ વધારવા માટે પોતાના ખેત ઉત્પાદનનું જાતે અથવા સહકારી માળખા મારફતે પ્રોસેસીંગ યુનિટ કરવા પડશે. ત્રીજા પી એટલે પેકિંગ – ખેડૂતોએ પોતાના ખેત ઉત્પાદનનું પ્રોસેસીંગ કરી સ્ટાન્ડર્ડ કંપનીઓના પેકિંગ જેવા જ પેકિંગ કરવા પડશે. ચોથો પી એટલે પ્રાઈઝ – એટલે કે વાવેતર, પ્રોસેસીંગ, પેકિંગ અને વેચાણ પોતાના ભાવે એટલે પ્રાઈઝ ખેડૂત નક્કી કરતો થાય એ જરૂરી છે. આ દિશામાં આજે અનેક ખેડૂતો આગળ વધી રહ્યા છે. હાર માન્યા વિના સમજણ, સમજદારી અને મહેનતથી સારૂ કમાવાનો સમય એટલે ખેતી.
: તિખારો:
લાગણીઓને સમજવા માટે હૃદય જોઈએ, નિભાવવા માટે વફદારી અને ધૈર્ય, પામવા માટે પવિત્રતા અને સૌભાગ્ય જોઈએ. એ આજના યુગમાં શકય નથી અને જયા શકય છે ત્યા સ્વર્ગ છે.














































