મોબાઈલ ફોન વગર કોઈને ચાલતું નથી ત્યારે નફાખોરી માટે જાણીતી કંપનીની ડુપ્લિકેટ એસેસરિઝ વેચવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. અમદાવાદ નજીક બાકરોલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી જાણીતી મોબાઈલ ફોન કંપનીઓના માર્કા અને બોક્સમાં પેક કરીને વેચવા માટે તૈયાર કરવામાં આવતાં હેન્ડસ ફ્રીનો મોટો જથ્થો પકડાયો છે. ૩.૬૬ કરોડ રુપિયાનો કાચા સામાનનો જથ્થો પકડાયો છે તેમાંથી હેન્ડસ-ફ્રી એસેમ્બલ કરવામાં આવતાં હતાં. જ્યારે, સોનીની ચાલી પાસેની દુકાનમાંથી ૭૨ લાખ રુપિયાની મોબાઈલ ડીસ્પ્લે સ્ક્રીન પકડાઈ છે. પોલીસનું કહેવું છે કે, જાણીતી મોબાઈલ કંપનીઓની ઓરીજીનલ એસેસરીઝ હોય તેવા જ બોક્સ પેકીંગમાં ડુપ્લિકેટ, એસેમ્બલ કરેલા હેન્ડસ-ફ્રી અને ડીસ્પ્લે સ્ક્રીન થોડા સસ્તા ભાવે વેચવા માટે મોકલવાનું નેટવર્ક ચાલતું હતું.બાકરોલ જીઆઈડીસીમાં આવેલી વિનાયક એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રીયલ-મી, ઓપો, વીવો, વન-પ્લસ જેવી કંપનીઓના કોપીરાઈટ નિયમોને અવગણીને ડુપ્લિકેટ એસેસરીઝ બનાવવામાં આવતી હોવાની ફરિયાદ જયપુરના રહીશ કંવલજીતસીંગ પુરણસીંગ પંજાબીએ સીઆઈડી ક્રાઈમમાં આપી હતી. સીઆઈડી ક્રાઈમના અમદાવાદ યુનિટે બાકરોલ જીઆઈડીસીમાં આવેલી વિનાયક એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં દરોડો પાડયો હતો. ફેક્ટરીમાં મોબાઈલ એસેસરીઝ બનાવવા માટે લાકડાના અને લોખંડના ત્રણ ઉભા ઘોડા મળ્યાં હતાં. આ ઘોડા ઉપર કઠલાલ અને દહેગામ વિસ્તારના કુલ ૨૪ સ્ત્રી-પુરુષ કામદારો મોબાઈલ એસેસરિઝનું એસેમ્બલિંગ કરી રહ્યાં હતાં. મોબાઈલ એસેસરીઝમાં વપરાતી વસ્તુઓને મિકેનિકલી અને ટેકનિકલી ફીનિશ કરવા માટેના ત્રણ મશીન પણ મળી આવ્યાં હતાં.આ કંપનીના સુપરવાઈઝર નરસિંહ પુરોહીતને પૂછતાં મુંબઈના વિક્રમભાઈ પુરોહીત આ પેઢી ચલાવતા હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ ફોનના હેન્ડસ ફ્રી બનાવવા માટેની નાની-મોટી કેપ, લીડ બોક્સ,એરફોન લીડ બોક્સ, નેક બેન્ડ, એરફોન સ્પીકર વગેરે મળીને કુલ અલગ અલગ પ્રકારની ૨૨ સામગ્રીના કાચા માલના બોક્સ મળી આવ્યાં હતાં. કાચા માલમાંથી જાણીતી મોબાઈલ કંપનીના ડુપ્લિકેટ હેન્ડસ ફ્રી એસેમ્બલ કરવામાં આવતાં હતાં. સીઆઈડીની ટીમે કુલ ૩.૬૬ કરોડ રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગોડાઉન દર મહિને ૩૩૦૦૦ રુપિયાના ભાડે અર્જુનલાલ ઉકાજી પુરોહીત પાસેથી રાખવામાં આવ્યું હતું. સીઆઈડીના સીઆઈ સેલના પી.આઈ. જે.એસ. કંડોરિયા સહિતની ટીમે દરોડો પાડી ૩.૬૬ કરોડ રુપિયાના હેન્ડસ ફ્રી એસેમ્બલ કરવાનો સામાન પકડી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સીઆઈડી ક્રાઈમ, અમદાવાદ જાને સોનીની ચાલી પાસે સ્કુલ ટાવરમાં આવેલી દુકાનમાં દરોડો પાડી જાણીતી મોબાઈલ કંપનીના ડિસ્પ્લે (સ્ક્રીન) કોમ્બોનો ડુપ્લિકેટ જથ્થો પકડી પાડયો છે. અડધો ડઝન કંપનીના ડુપ્લિકેટ સ્ક્રીનનો ૭૨ લાખ રુપિયાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. નવારામ ઉર્ફે નરેશ ભુરાજી ચૌધરીની સી.આર. પટેલ નામની દુકાનમાંથી ડુપ્લિકેટ સ્ક્રીનનો પોણો કરોડ રુપિયાનો જથ્થો કબજે કરી સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કોપીરાઈટ એક્ટ હેઠળ પહેલી વખત ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ  એસેમ્બલ કરતી ફેક્ટરી પકડાઈ છે. એ જ રીતે કોઈ દુકાનમાંથી મોટી રકમનો મુદ્દામાલ પકડાયાનો પણ પ્રથમ કિસ્સો છે. નફાખોરી માટે જાણીતી મોબાઈલ કંપનીઓના સિમ્બોલ અને નામ સાથે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનું આયોજનબધ્ધ નેટવર્ક ચાલે છે.