૪૮ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું હતું. હાલમાં જ અનુપમ ખેરે સો.મીડિયામાં આ અંગેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મહિમાએ કહ્યું હતું કે અનુપમ ખેરે તેને ફિલ્મ માટે ફોન કર્યો હતો અને પછી તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. વીડિયોમાં વાત કરતા સમયે મહિમા એકદમ ભાવુક થઈ જાય છે અને તેની આંખમાં આંસુ આવી જાય છે. અનુપમ ખેરે આ વીડિયો શૅર કરીને મહિમાને હીરો ગણાવી હતી.
અનુપમ ખેરે સો.મીડિયામાં મહિમાનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘એક મહિના પહેલાં મેં મારી ૫૨૫મી ફિલ્મ ‘ધ સિગ્નેચર’માં મહ¥વના રોલ માટે અમેરિકાથી મહિમાને ફોન કર્યો હતો. અમારી વાતચીત થતી હતી અને ત્યારે જ મને ખબર પડી કે મહિમાને બ્રેસ્ટ કેન્સર છે. તેના જીવન જીવવાની રીત તથા તેનો એટિટ્યૂડ અનેક મહિલાઓને પ્રેરણા આપી શકે છે.
અનુપમે કહ્યું હતું, ‘તે ઈચ્છતી હતી કે હું તેની આ જર્ની તમામ લોકોની સામે રજૂ કરું. તે જ્યારે લોકોને જાણ કરે ત્યારે હું તેનો હિસ્સો બનું. તેણે મારાં વખાણ કર્યાં, પરંતુ હું કહેવા માગીશ કે ‘મહિમા તું મારો હીરો છે.’ મિત્રો, તેને તમારો પ્રેમ, શુભકામના, પ્રાર્થના તથા આશીર્વાદ આપજા. હવે તે સેટ પર પરત ફરી છે. તે બીજીવાર ઊડવા માટે તૈયાર છે. તમામ પ્રોડ્યુસર્સ તથા ડિરેક્ટર્સ પાસે બ્રિલિયન્સને લેવાની તક છે. જય હો.’ મહિમાએ આ વીડિયો પોતાના સો.મીડિયામાં રિપોસ્ટ કરીને કહ્યું હતું, ‘તમારા પ્રેમ ને સપોર્ટ માટે આભાર, અનુપમ ખેર.’
જેનેલિયા ડિસોઝાએ કમેન્ટમાં કહ્યું હતું કે મહિમા, તું વધુ સ્ટ્રોંગ બન. આ સાથે જ જેનેલિયાએ અનુપમ ખેરનાં વખાણ કર્યા હતા. ચાહકોએ મહિમાની હિંમતનાં વખાણ કર્યા હતા.
મહિમાએ વીડિયોમાં કહ્યું હતું, ‘જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે અનુપમ ખેરનો ફોન આવ્યો હતો. અનુપમ ખેર અમેરિકામાં હતા એ વાતની મને ખબર હતી. આ વાતચીતમાં મેં તેમને કેન્સર હોવાની વાત કહી હતી. મને વેબ સિરીઝ ને ફિલ્મ માટે ઘણા ફોન આવતા હતા. જાકે વાળ ના હોવાથી મેં તમામ આૅફર્સ રિજેક્ટ કરી હતી. મેં અનુપમ ખેરને હું સેટ પર વિગ સાથે આવીશ એમ કહ્યું હતું. અનુપમ ખેરે સામે એવો સવાલ કર્યો હતો કે વિગ સાથે કેમ આવીશ? તો મેં એમ કહ્યું હતું કે ટ્રીટમેન્ટમાં મારા વાળ જતા રહ્યા છે.’
મહિમાએ કહ્યું હતું, ‘હું દર વર્ષે ઍન્યુઅલ ચેકઅપ કરાવું છું, એમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ વગેરે થતા હોય છે. આ ટેસ્ટમાં બ્રેસ્ટમાં પ્રી-કેન્સર સેલ હોવાની જાણ થઈ હતી. આ સેલ ક્યારેક કેન્સરમાં કન્વર્ટ થાય છે તો ક્યારેક થતા નથી, આથી જ ડાક્ટરે મને બાયોપ્સી કરાવવાનું કહ્યું હતું. તે નેગેટિવ આવી હતી. જાકે, મેં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ એ તમામ સેલ્સની બાયોપ્સી કરવામાં આવી હતી અને એમાંથી એક નાના સેલમાં કેન્સર હોવાની જાણ થઈ
હતી. ડાક્ટરે જ્યારે કેન્સર હોવાની વાત કહી ત્યારે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ડાક્ટરે સાંત્વના આપતાં કહ્યું હતું કે આની ટ્રીટમેન્ટ ૧૦૦% શક્ય છે. મારી બહેન પણ મને કહેવા લાગી, ‘તું ૭૦ના દાયકાની મહિલાની જેમ કેમ રડે છે’. કેન્સર શબ્દ જ ભયાનક છે. ડાક્ટરે કિમોથેરપી માટે બાડીમાં ગળા નીચે પોર્ટ મૂક્યું હતું.’