(એ.આર.એલ),મોસ્કો,તા.૧૩
રશિયા-યુક્રેન યુદ્ધ મોરચે ગેરકાયદેસર રીતે મોકલવામાં આવેલા ૪૫ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને રશિયન સેનાથી મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ૫૦ ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધ ક્ષેત્રમાં હાજર છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મંત્રાલય આ ભારતીય નાગરિકોની મુક્ત અને સુરક્ષિત પરત સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોસ્કોની તાજેતરની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટપતિ વ્લાદિમીર પુતિને ખાતરી આપી હતી કે રશિયામાં ખોટી રીતે ભરતી કરાયેલા તમામ ભારતીય નાગરિકોને યુદ્ધ મોરચેથી દૂર કરવામાં આવશે અને મુક્ત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત બાદ હવે ગેરકાયદેસર રીતે રશિયન સેનામાં સામેલ ભારતીયોની મુક્ત શરૂ થઈ ગઈ છે. રશિયાએ સ્વીકાર્યું છે કે કેટલાક ભારતીય નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમને સેનામાં ભરતી કરીને યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા આ દિશામાં સતત પ્રયાસો કર્યા બાદ હવે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે હાલમાં યુદ્ધ ક્ષેત્રમાં રહેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીથી તમિલનાડુ સુધી ફેલાયેલા માનવ તસ્કરી નેટવર્ક, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સ્થાનિક એજન્ટોનો ઉપયોગ કરીને લોકોને આકર્ષક નોકરી વગેરેની
લાલચ આપીને રશિયા મોકલતા હતા. જા કે, રશિયા પહોંચ્યા પછી પીડિતોના પાસપોર્ટ લેવામાં આવ્યા હતા અને તેમને મોરચા પર તૈનાત કરતા પહેલા લડાયક ભૂમિકાઓની તાલીમ આપવામાં આવી હતી. લગભગ સો ભારતીય નાગરિકો આ જાળમાં ફસાઈ ગયા. રશિયા-યુક્રેન સંઘર્ષમાં ઓછામાં ઓછા ચાર ભારતીયો પણ માર્યા ગયા છે. ભારતમાં પોલીસે આ જાબ રેકેટમાં સામેલ ઓછામાં ઓછા ચાર લોકોની ધરપકડ કરી છે.