અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના વાવેરા ગામના ૩ વ્યક્તિ ઉપર સિંહણે ૨ દિવસ પહેલા હુમલો કર્યા હતો. હુમલાની ઘટના બાદ વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે ૮ કલાક કરતા વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું. સિંહણ આક્રમણ બની હુમલો કરવા માટે દોડધામ કરી રહી હતી. ધારેશ્વર નદી કાંઠે નર્સરી વિસ્તાર બાવળની કાંટોમાં ચારે તરફ દોડધામ કરી રહી હતી આ દરમ્યાન સિંહણને પકડવા એનિમલ ડોકટરોની ટીમો, વનાધિકારીઓ, કર્મચારીઓએ સિંહણને પકડવા દોડધામ કર્યા બાદ અંતે સાંજના સમયે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી પાંજરે પુરી દેતા સ્થાનિકોએ અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર ચાલી રહી હતી જ્યાં ડોક્ટરો દ્વારા તેમના સેમ્પલ લીધા હતા અને સારવાર દરમ્યાન સિંહણનું મોત નિપજ્યું છે. આ સિંહણને કોઈ ગંભીર પ્રકારની બીમારી નીકળી શકે છે. હાલ વનવિભાગ સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ મળવાનો દાવો કરી રહ્યું છે. ડી.સી.એફ. જયન પટેલએ કહ્યું કે, સિંહણ સારવારમાં હતી એ દરમ્યાન તેનું સારવારમાં જ મોત નિપજ્યું છે. સેમ્પલ લેવાયા છે રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ કહી શકાય.