આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પરંતું ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્રને છોડીને બીજી જ વાતની ચર્ચા ઉપડી છે. આ ચર્ચા મંત્રીમંડળના બદલાવની છે. ચોમાસું સત્ર બાદ સરકારમાં મોટી ઉથલપાથલની શક્યતા છે. દિવાળી તહેવાર પહેલાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે.મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે જેમાં ટીમ સૌરાષ્ટ્રની બને તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. તેમાં કયા ધારાસભ્યોને મંત્રી બનવાનો પહેલો ચાન્સ મળશે તે જાઈએ. ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો લાંબા સમયથી અફવા સ્વરૂપે ચાલી રહી છે. હવે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ ગયો છે. એટલે હાલ કશું નહીં થાય એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જાકે મંત્રીમંડળનું વિસ્તરણની તારીખો પર તારીખો પડતા મંત્રીઓમાં એક પ્રકારનો ભય ફેલાયો છે. કેટલાક મંત્રીઓએ તો પૂછવાનું પણ શરૂ કર્યું છે કે, શું આખેઆખું મંત્રીમંડળ જ બદલાઈ જશે. અત્યારે આ શક્યતા ખૂબ નહિવત માનવામાં આવે છે. જાકે કેટલાક સિનિયર મંત્રીઓ એવી પણ દલીલ કરે છે કે ભૂતકાળમાં ગુજરાત મોડલમાં આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવાની ઘટના બની છે. આ ફોર્મ્યુલા સફળ પણ બની છે. એટલે હવે સિનિયર મંત્રીઓને પણ ભય સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ફરી એક વખત આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢી એન્ટી-ઈન્કબટન્સી ખાંડવાનો પ્રયાસ થશે. ગુજરાતમાં ૨૦૨૭ માં વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે તેના એક વર્ષ પહેલા આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવામાં આવી શકે. કેટલાક સિનિયર મંત્રીઓ કે પછી એવા મંત્રીઓ કે જે મંત્રીમંડળમાંથી પડતા મૂકાવવાની શક્યતા પ્રબળ છે તેવા મંત્રીઓ પત્રકારો અને રાજકીય આગેવાનો સાથેની વાતચીતમાં કયા કયા મંત્રીઓને પડતા મુકાશે તેની પણ ચર્ચા કરે છે. આ મંત્રીઓ કેમ પડતા મૂકાશે તેના કારણો પણ આપી રહ્યા છે. જાકે પોતાને પડતા નહિ મુકાય તેની દલીલો અને તારણો, તર્ક કરી સાંભળનાર પાસેથી હકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. થોડા દિવસ પહેલા જ એક સિનિયર મંત્રીએ તો ત્યાં સુધી અનુમાન કરી દીધું કે, મંત્રીમંડળનું વિસ્તરણની અફવાઓ ફેલાવીને કેન્દ્રીય નેતૃત્વ કોઈને ખબર ન પડે તે રીતે આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવાના મૂળમાં છે. એટલા જ માટે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ કરવામાં આવતો નથી. ભૂતકાળમાં કેન્દ્રીય નેતૃત્વ એ કોઈ પણ શેહશરમ વગર આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢ્યું હોવાના કારણે અત્યારે વર્તમાન મંત્રીઓમાં ભય પણ ફેલાયો છે.૩ દિવસ સુધી યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનુ વિસ્તરણ લગભગ નક્કી છે.હાઇકમાન્ડ ફરી એકવાર ૨૦૨૧ વાળી કરવાના મુડમાં છે. જા કે આ વખતે રાહતની બાબત છે કે, મુખ્યમંત્રી અને ટોપ પર્ફોમર હોય તેવા ૪-૫ મંત્રીઓને યથાવત્ત રાખવામાં આવી શકે છે. પરંતુ બાકીના મંત્રીઓને પડતા મુકાઇ શકે છે.હવે મોટી ચર્ચા એ પણ છે કે, નવા કયા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે, તો આવામાં ભાજપમાં લાંબી લાઈન લાગેલી છે. યુવા ચહેરાને તક મળી શકે છે. તેમજ સારી ઈમેજ ધરાવતા અને લોકસંપર્કમાં માહેર ધારાસભ્યોને તક મળી શકે છે. સાથે જ કોરી ઈમેજ ધરાવતા નેતાઓને પણ મંત્રીપદ મળી શકે છે. જે નામ હાલ ચર્ચાઈ રહ્યા છે,તેમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઇ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા છે.