ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ભારત આવેલા આવા લોકોને પાસપોર્ટ કે અન્ય મુસાફરી દસ્તાવેજા વિના પણ ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

ગયા વર્ષે દેશમાં લાગુ કરાયેલા નાગરિકતા (સુધારા) કાયદા અનુસાર, ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ સતાવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જોકે, તાજેતરમાં જ સરકારે ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકો) અધિનિયમ, ૨૦૨૫ લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ આ મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને, ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને, જેઓ ૨૦૧૪ પછી ભારત આવ્યા હતા અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા, રાહત મળશે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, “અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો – હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ – જેમને ધાર્મિક અત્યાચાર અથવા તેના ડરને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં માન્ય દસ્તાવેજા વિના દેશમાં પ્રવેશ કર્યો હતો, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.”

બીજી તરફ, ગૃહ મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે નેપાળ અને ભૂટાનના નાગરિકો તેમજ બંને પડોશી દેશોમાંથી માર્ગ કે હવાઈ માર્ગે ભારતમાં પ્રવેશતા ભારતીયોને પહેલાની જેમ પાસપોર્ટ કે વિઝા રજૂ કરવાની જરૂર રહેશે નહીં.