બ્રિટનમાં રેલવે કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાલથી દેશનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. પાછલા ૩૦ વર્ષથી સૌથી મોટી આ હડતાલમાં ૨૦ હજાર ટ્રેનોમાંથી માત્ર ૪૫૦૦ ટ્રેનો જ અત્યારે ચાલી રહી છે. કર્મચારીઓની માંગ વેતન-ભથ્થા વધારવા અને નોકરીની સુરક્ષા સુનિશ્ર્‌ચિત કરવાની છે પરંતુ આ માંગો પર અત્યાર સુધી રેલ કંપનીઓ સાથે વાતચીત સફળ થઈ શકી નથી જેના કારણે કર્મચારીઓએ પોતાની હડતાલને વધુ ઉગ્ર બનાવવાનું એલાન કર્યું છે.
સેન્ટ્રલ લંડનના રેલવે સ્ટેશનો ઉપર ટ્રેનોની લાંબી કતારો લાગી ગઈ હતી પરંતુ તેને ચલાવવા માટે ડ્રાઈવર અને અન્ય સ્ટાફ ઉપલબ્ધ નહોતા. રેલ કર્મચારીઓની હડતાલને કારણે લોકો પણ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેના પગલે શહેરના મોટાભાગના રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે. કર્મચારીઓએ એલાન કર્યું છે કે તેઓ આ સપ્તાહે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સંપૂર્ણ રીતે હડતાલ પાડશે. આ હડતાલમાં રેલવેમાં કામ કરનારા ૪૦,૦૦૦ સફાઈકર્મી, સિગ્નલર્સ, મેન્ટેનન્સ વર્કર અને સ્ટેશન કર્મચારી સામેલ છે. રેલ કર્મચારીઓની આ હડતાલથી બ્રિટનના મોટાભાગના હિસ્સામાં રેલવે નેટવર્ક ખોરવાઈ ગયું છે.
હડતાલથી લંડન અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. બ્રિટનના પરિવહન મંત્રીએ કહ્યું કે હડથાલથી મોટાપાયે અડચણ પેદા થઈ શકે છે આવામાં માત્ર ૨૦% સેવાઓ જ સંચાલિત થઈ શકશે. આ હડતાલ માટે કર્મચારીઓ યુનિયનોને તેમણે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી બાદ ટ્રેનોમાં યાત્રિકોની સંખ્યા પહેલાંના સ્તર સુધી પહોંચી શકી નથી જેના કારણે ટ્રેન કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેઓ આ નુકસાનમાંથી બહાર આવવા માટે સરકાર તરફથી આર્થિક મદદ અને ખર્ચ તેમજ સ્ટાફમાં કાપ મુકવાની માંગ કરી રહી છે પરંતુ એ કંપનીઓની મજબૂરી સમજવાની જગ્યાએ કર્મચારી યુનિયનોએ હડતાલ શરૂ કરી દીધી છે.