ગુજરાત મોડલની ભારતભરમાં ચર્ચા થાય છે પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને વર્ગખંડોની પણ અછત છે. આ વાતનો ઉલ્લેખ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ લોકસભામાં કર્યો હતો.
અમરેલી જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર તો કથળેલું જ છે પરંતુ કરોડો રૂપિયાની સરકારી ઈર્ન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાંટો પણ ક્યાં પગ કરી જાય છે તે તપાસનો વિષય છે.
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ લોકસભામાં મુદ્દો ઉઠાવતાં કહ્યું, અમરેલી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં ૩૦૦થી વધુ ઓરડાની ઘટ છે. જિલ્લામાં અનેક વર્ગખંડો જર્જરિત હોવાની તેમણે રજૂઆત કરી હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાંટ મળી નથી તેમ પણ જણાવ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
જિલ્લાના સાંસદે લોકસભામાં ઉઠાવેલા પ્રશ્નને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું, આપણે આયોજન મોકલી દઈએ છીએ.૨૦-૨૧ના મંજૂર થયા છે પણ ૨૧-૨૨ના આખા રાજ્યમાં કોઈના મંજૂર નથી થયા, આપણા એકના નથી થયા એવું નથી.
માર્ચ ૨૦૨૧માં ગુજરાતમાં કેટલા ઓરડાની ઘટ હતી ?
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવા માટે પુરતા ઓરડા પણ ન હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યુ હતું. માર્ચ ૨૦૨૧માં. રાજ્યની શાળાઓમાં હાલ ૧૮૫૩૭ ઓરડાની ઘટ હોવાનું કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુછેલા પ્રશ્નના જવાબમાં તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ લેખિતમાં સ્વીકાર્યુ હતું.