શનિવારે પાકિસ્તાનમાં અડધા કલાકના અંતરાલમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ અને ૫.૮ માપવામાં આવી હતી. પહેલો આંચકો બપોરે ૧૨.૩૧ વાગ્યે અને બીજા આંચકો બપોરે ૧ વાગ્યે અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બપોરે ૧ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની અસર જમ્મુ અને કાશ્મીર સહિત ભારતના કેટલાક અન્ય ભાગોમાં પણ અનુભવાઈ હતી. જાકે, હજુ સુધી ભૂકંપથી કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.

રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય દેખરેખ કેન્દ્રને ટાંકીને જણાવ્યું હતું કે પહેલો ભૂકંપ ૧૨.૩૧ મિનિટે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીના ઉત્તર-પશ્ચિમમાં ૬૦ કિલોમીટર દૂર જમીનની સપાટીથી ૧૨ કિલોમીટર નીચે હતું. તેની તીવ્રતા ૫.૫ હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપના આંચકા પંજાબના અટોક, ચકવાલ અને મિયાનવાલી જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. આ ઉપરાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવર, મરદાન, મોહમંદ અને શબકદરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં વિવિધ તીવ્રતાના ભૂકંપ વારંવાર આવે છે. સૌથી ભયંકર ભૂકંપ ૨૦૦૫ માં આવ્યો હતો, જેમાં ૭૪,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પહેલા ૯ એપ્રિલે તાઇવાનમાં ભૂકંપના જારદાર આંચકા અનુભવાયા હતા. કેન્દ્રીય હવામાન વિભાગે ભૂકંપની તીવ્રતા ૫.૮ માપી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરપૂર્વીય કિનારા પર યિલાનથી લગભગ ૨૧ કિલોમીટર (૧૨ માઇલ) દક્ષિણ-દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની સપાટીથી ૬૯ કિલોમીટર (૪૩ માઇલ) નીચે હતું.

આ પહેલા ૨૮ માર્ચે થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૭.૭ ની તીવ્રતાના ભૂકંપથી દેશના મોટા ભાગો પ્રભાવિત થયા હતા. આનાથી છ રાજ્યોને ભારે નુકસાન થયું. ભૂકંપને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી, ટેલિફોન અથવા સેલ કનેક્શન ખોરવાઈ ગયા હતા. રસ્તાઓ અને પુલોને નુકસાન થયું હતું.