ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી પછી ૨૮૦૦ વિદેશી કંપની ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી છે. ભારત માટે વિદેશી રોકાણ મહત્વનું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી એ સમાચાર આંચકાજનક છે. ખૂદ કેન્દ્ર સરકારે આ કબૂલાત કરી છે.
સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી બાદ સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ ૨૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં આ માહિતી આપતા કહ્યું કે, ૨૦૧૪થી અત્યાર સુધીમાં લગભગ ૨૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. તેમણે કહ્યું કે હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ એટલે કે સબસિડરીઝ દ્વારા કામકાજ કરી રહી છે.
એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના કોમર્સ મિનિસ્ટર ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં ૨૭૮૩ વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓની સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા પેટાકંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. તેમણે કહ્યું કે, આ કંપનીઓએ વ્યવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતાં પેરેન્ટ કંપનીનું પુનર્ગઠન, મર્જર અથવા મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે ભારતમાં કામ કરવાનું બંધ કર્યું છે.
ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ૧૦,૭૫૬ વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યો છે. આ કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ ૧૨,૪૫૮ સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો ૩૦ નવેમ્બર, ૨૦૨૧ સુધીનો છે.
નોંધનીય છે કે વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત હાલમાં ૬૩મા ક્રમે છે. ૨૦૧૪ પછી ભારતના રેન્કિંગમાં ૭૯નો સુધારો થયો છે. જો કે આંતરરાષ્ટ્રીય કંપનીઓના ભારતના રોકાણમાં વધારવા માટે હજી મોટા પાયે સુધારાની જરૂર છે.