જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ હડતાલ પર જઈ શકે છે. ૯ જેટલા બેન્ક યુનિયનોના બનેલા સંયુકત જૂથ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા ૨૭મી જૂનના રોજ હડતાલ પર જવાની ચેતવણી આપવામાં આવી છે. હડતાલની સ્થિતતિમાં ગ્રાહકોએ પોતાના જરી કામકાજ ૨૪ જૂન સુધી નિપટાવી લેવા પડશે. ત્યારબાદ ૨૫ જૂનના રોજ મહિનાનો ચોથો અને અંતિમ શનિવાર છે અને આ દિવસે મોટાભાગની બેન્કોમાં કામકાજની સંભાવના નથી.
એ જ રીતે ૨૬ જૂનના રોજ રવિવાર છે અને ૨૭મી જૂનના રોજ સોમવારે હડતાલ પાડવામાં આવશે. આમ, સતત ત્રણ દિવસ સુધી બેન્કના ગ્રાહકોને ભારે પરેશાની રહેવાની સંભાવના છે.
અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના મહાસચિવ સી.એચ. વેંકટચલમએ યુનિયનની બેઠક બાદ કહ્યંો હતું કે, પેન્શનમાં સુધારા-વધારા અને રાષ્ટ્રીય પેન્શન યોજના સમાપ્ત કરવા સહિતની કેટલીક માગણીઓ સરકાર દ્વારા સાંભળવામાં આવતી નથી. એવી માગણી પણ કરવામાં આવી છે કે, તમામ બેન્ક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને મંજૂરી આપવાની રહેશે.
એ જ રીતે અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘના મહાસચિવ સૌમ્યા દત્તાએ કહ્યું છે કે, દેશભરના અંદાજે ૭ લાખ કર્મચારીઓ હડતાલમાં જોડાશે અને ૨૭મી જૂનના રોજ સોમવારે આ હડતાલ પાડવામાં આવશે અને સરકાર પર દબાણ લાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે કારણ કે, છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ માગણીઓ મુકવામાં આવી છે પરંતુ તેનો કોઈ સાનુકુળ પ્રતિસાદ મળતો નથી પરિણામે બેન્ક હડતાલ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કોઈ સમાધાન નહીં થાય અને બેન્ક હડતાલ યથાવત રહેશે તો સતત ત્રણ દિવસ સુધી બેન્કના ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો રહેશે. સરકાર તરફથી આ બાબતમાં કોઈ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો જ પરિસ્થિતતિ સુધરી શકે એમ છે.