રાજ્યના પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સંસ્થાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ માટેની સંરચિત યોજના રજૂ કરવામાં આવી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ૨૬ જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મોટી બેઠક થાય ત્યારે રાજનીતિની વાત પણ સ્વાભાવિક રીતે થાય છે. આમ છતાં અમારી મુખ્ય અગ્રતા સમાજસેવા છે. માત્ર અમારું નહીં, પણ દરેક સમાજના લોકોનું ઉત્થાન થાય તે જરૂરી છે.

આ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, “છેવાડાના લોકોનો વિકાસના પ્રવાહમાં સમાવેશ થાય તે માટે સેના સતત પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે કે તેને રાજનીતિમાં સ્થાન મળે અને સક્રિય તથા સક્ષમ વ્યક્તિઓને સમયાનુકૂળ તક મળી રહે છે.”

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા ૧૫ વર્ષોથી સમાજસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. આ કાર્યક્ષમતા હવે વધુ વ્યાપક રૂપ લઈ રહી છે. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી કે, અમે તમામ સમાજાને જોડીને કુલ ૧૦૫૦ માર્ગદર્શકો તૈયાર કર્યા છે, જે એક વર્ષ સુધી ક્ષેત્રમાં સક્રિય રહીને વિવિધ પ્રકારના કાર્ય કરશે. દરેક માર્ગદર્શક પોતાની ટીમમાં વધુ દસ યુવાનોને તૈયાર કરશે. આ માર્ગદર્શકોની મુખ્ય જવાબદારીઓમાં સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તેમજ સરકારી યોજનાઓના લાભો ગ્રાહ્ય બનાવવાનો સમાવેશ થાય છે. સાથે જ ગામની પ્રોફાઇલ તૈયાર કરી તેને આધારે જરૂરિયાતમંદ લોકોને લાયક સહાયતા મળે તે માટે પ્રયાસ કરાશે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આગામી દિવસોમાં એક લાખ યુવાનો અને યુવતીઓને ક્ષત્રિય ઠાકોર સેના સાથે જાડવાનો લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું કે, યુવાનોમાં ક્ષમતા અને નેતૃત્વ હોય તો તેમનો વિકાસ ચોક્કસ શક્ય છે. મેં માત્ર અમારા નહીં પણ અન્ય સમાજના સારા યુવાનોને તાલુકા તથા જિલ્લા પંચાયત જેવી સ્થાનોએ ભલામણ કરી છે.

ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિશાળ શિબિર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (બાયડ) પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, યુવાનોને શિક્ષણને જીવનનું મુખ્ય ધ્યેય બનાવવાની પ્રેરણા આપી તથા વ્યસનોને અલવિદા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનો દ્વારા એક સ્વરે શિક્ષણને પ્રાથમિકતા આપવાની તથા વ્યસન મુક્તિ માટે જીવનભર પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.